વેપારીની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરના જામજોધપુર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી સાથે મળીને જામજોધપુરમાં આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાન પર દરોડો પાડીને તેનો વેપારી તહેવારો દરમિયાન ભેળસેળ યુક્ત ઘી વેચતો હોવાની જાણ થતાં ડેરીમાંથી 100 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા વેપારીની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામજોધપુર પોલીસને બાતમી મળી હતી કે, જામજોધપુરના બહુચરાજી મંદિર પાસે આવેલી ઉમિયાજી ડેરી નામની દુકાનમાં તેના સંચાલક બિપીનભાઈ ગોવિંદભાઈ ગોહેલ તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરે છે. ફૂડ વિભાગના અધિકારી એન. એમ. પરમાર સાથે જામજોધપુરના ઙઈં વાય. જે. વાઘેલા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઉમિયાજી ડેરી અને તેના ઘરમાંથી 100 કિલો નકલી ઘી મળી આવ્યું હતું. આથી ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીની હાજરીમાં પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થાના સેમ્પલ લીધા છે અને તેને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વેપારી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.