ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકની યુવતીના છૂટાછેડા થતા માવતરના ઘરે રહેતી હતી ત્યારે યુવતીના માતા-પિતા વાડીએ ગયા હતા અને તેનો ભાઈ બહારગામ લગ્નમાં ગયો હતો ત્યારે યુવતી ઘરે એકલી હતી તે દરમિયાન વર્ષ 2016 માં તેની એકલતાનો લાભ લઈ નવા ઈશનપુર ગામના ઉપસરપંચ ચંદુભાઈ જેરામભાઈ પરમાર ઘરે આવ્યા હતા અને આરોપી ધીરજ પરમાર ઘરની બહાર ધ્યાન રાખવા ઉભો હતો ત્યારે ચંદુભાઈ જેરામભાઈ પરમારે ત્યકતા યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે આ દરમિયાન યુવતીનો ભાઈ ઘરે આવી જતા આરોપી ચંદુભાઈ જેરામભાઈ પરમાર, ધીરજ પોપટભાઈ પરમાર, મહિપત જેરામભાઈ પરમાર અને હસમુખ મોહનભાઈ પરમારે તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો જેની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસ મોરબીની એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાની, સંજયભાઈ દવે અને નિરજભાઈ કારીયાએ કરેલી દલીલ અને 19 મૌખિક તથા 26 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇને કોર્ટે આરોપી પૂર્વ ઉપસરપંચ ચંદુભાઈ જેરામભાઈ પરમારને 10 વર્ષની સજા અને 20 હજારનો દંડ કર્યો છે અને ભોગ બનેલ યુવતીને બે લાખનું વળતર તેમજ આરોપી દંડની રકમ ભરે તે પણ યુવતીને ચૂકવવા હુકમ કર્યો છે અને આ કેસમાં ત્રણ આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.