દુનિયાભરમાં અત્યારે મહિલાઓમાં એકલા મુસાફરી(સોલો ટ્રાવેલ) કરવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ જ્યારે જગ્યા પસંદ કરવાની વાત આવે ત્યારે સુરક્ષા સૌથી મોટો પડકાર બની રહે છે. જ્યોર્જટાઉન ઇન્સ્ટિટ્યૂટ અને પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓસ્લો દ્વારા બહાર પાડવામાં આવેલ ‘વિમેન, પીસ એન્ડ સિક્યોરિટી(WPS) ઇન્ડેક્સ 2025–26’માં મહિલાઓ માટે કયા દેશો સૌથી વધુ સુરક્ષિત અને અનુકૂળ છે તેનું સચોટ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ ઇન્ડેક્સમાં મહિલાઓનો સમાવેશ, ન્યાય અને સુરક્ષા જેવા કુલ 13 માપદંડોના આધારે 181 દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. આ યાદીમાં ભારત 131મા ક્રમે છે, જે ટોપ 100થી ઘણું પાછળ છે. રિપોર્ટ મુજબ મહિલાઓ માટે વિશ્વના સૌથી સુરક્ષિત 10 દેશો નીચે મુજબ છે.
- Advertisement -
સોલો ફીમેલ ટ્રાવેલર્સ માટે દુનિયાના 10 સૌથી સલામત દેશો
1. ડેનમાર્ક
મહિલાઓ માટે ડેનમાર્ક દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ છે. અહીં સામાજિક સુરક્ષા, મહિલાઓની આર્થિક ભાગીદારી અને રાજકીય પ્રતિનિધિત્વ ખૂબ જ ઉંચા સ્તરે છે. સંસ્થાઓ પ્રત્યેનો વિશ્વાસ અને મજબૂત સામાજિક નીતિઓ સોલો ટ્રાવેલર્સ માટે અહીંનું વાતાવરણ એકદમ નિશ્ચિંત બનાવે છે.
- Advertisement -
2. નોર્વે
નોર્વે હંમેશા જાતિ સમાનતા અને સુરક્ષામાં મોખરે રહે છે. અહીંની કલ્યાણકારી યોજનાઓ, ભેદભાવ વિરોધી કડક કાયદા અને જાહેર સુરક્ષાની ઉચ્ચ ભાવના તેને આ ઇન્ડેક્સમાં ટોચ પર રાખે છે.
3. આઇસલેન્ડ
આ દેશ તેની પ્રગતિશીલ જેન્ડર પોલિસી અને કામકાજમાં મહિલાઓની મોટી સંખ્યા માટે જાણીતો છે. ઓછો ગુનાખોરી દર અને મજબૂત કાયદાકીય રક્ષણ પ્રવાસી મહિલાઓ માટે સુરક્ષિત છે.
4. સ્વીડન
સ્વીડનમાં લિંગ સમાનતા અને મહિલાઓની ન્યાય પ્રણાલી પર ખાસ ભાર મૂકવામાં આવે છે. અહીંનું વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષાને પ્રાથમિકતા આપતી સંસ્કૃતિ મુસાફરો માટે આરામદાયક છે.
5. ફિનલેન્ડ
શિક્ષણ અને સામાજિક સમાનતામાં ફિનલેન્ડનું પ્રદર્શન શાનદાર છે. ઊંચો સાક્ષરતા દર અને રાજકારણમાં મહિલાઓની સક્રિયતાને કારણે અહીંનું વાતાવરણ મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત છે.
6. લક્ઝમબર્ગ
મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા અને ન્યાય મેળવવાની સરળતા લક્ઝમબર્ગને ખાસ બનાવે છે. ઓછો ક્રાઇમ રેટ અને મજબૂત સામાજિક સુરક્ષાને કારણે અહીં એકલા રહેવું કે ફરવું ખૂબ જ સલામત છે.
7. બેલ્જિયમ
શિક્ષણ અને રોજગારમાં મહિલાઓની ભાગીદારી બાબતે બેલ્જિયમનો સ્કોર ઘણો સારો છે. અહીંના શહેરોનું સુરક્ષિત વાતાવરણ અને મજબૂત વહીવટી માળખું મહિલાઓના હિતમાં કામ કરે છે.
8. નેધરલેન્ડ
નેધરલેન્ડ તેની વર્ક-લાઇફ બેલેન્સ અને સમાવેશી સમાજ માટે પ્રખ્યાત છે. અહીંનું સલામત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને વ્યવસ્થિત રીતે પ્લાન થયેલા શહેરો સોલો ટ્રાવેલર્સ માટે શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે છે.
9. ઓસ્ટ્રિયા
સ્થિર શાસન અને જાહેર સુરક્ષાના મામલે ઓસ્ટ્રિયા ઘણું આગળ છે. અહીંની કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને સુવિધાજનક શહેરો મુસાફરીને વધુ સરળ અને સુરક્ષિત બનાવે છે.
10. ન્યૂઝીલેન્ડ
ટોપ 10માં સ્થાન મેળવનાર ન્યૂઝીલેન્ડ તેના મજબૂત લોકશાહી મૂલ્યો અને સુરક્ષા માટે જાણીતું છે. પ્રકૃતિ પ્રેમી અને સાહસિક મહિલાઓ માટે અહીંની મૈત્રીપૂર્ણ સંસ્કૃતિ આકર્ષણનું કેન્દ્ર છે.




