છત્તીસગઢના ગારિયાબંદમાં, સંયુક્ત કાર્યવાહીમાં વરિષ્ઠ નક્સલી સભ્ય મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ સહિત 10 નક્સલીઓ માર્યા ગયા. આ કાર્યવાહી મૈનપુર જંગલ વિસ્તારમાં સઘન નક્સલી નાબૂદી અભિયાનનો એક ભાગ છે
છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના મૈનપુર વિસ્તારના ગાઢ જંગલમાં સવારથી સુરક્ષા દળ અને નક્સલીઓની વચ્ચે ભીષણ અથડામણ ચાલુ હતી. સૂચનાના આધારે વિશેષ કાર્ય બળ અને કોબરા બટાલિયનની સંયુક્ત ટીમે નક્સલીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. અથડામણમાં નક્સલીઓને ભારે નુકસાન થયું છે, જેમાં લગભગ 10 નક્સલીઓ ઠાર થયા છે, જો કે અથડામણ હજુ પણ ચાલુ છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર, અથડામણમાં એક કરોડના ઈનામી નક્સલી કમાન્ડર મનોજ ઉર્ફ મોડેમ બાલકૃષ્ણ ઉર્ફ ભાસ્કર પણ ઠાર થયો છે. કહેવાય છે કે 58 વર્ષીય કમાન્ડર ભાસ્કર તેલંગણાનો રહેવાસી હતો અને 35 વર્ષથી એક્ટિવ હતો. ભાસ્કર નક્સલીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય પણ હતો. પોલીસ તેને વર્ષોથી શોધી રહી હતી. કહેવાય છે કે, આ નક્સલી કમાન્ડર ગારિયાબંદના રસ્તે ઓડિશાથી ભાગવાની તૈયારીમાં હતો.
છેલ્લા ત્રણ મહિનામાં છત્તીસગઢમાં સુરક્ષા દળોની આ બીજી મોટી સફળતા છે. આ અગાઉ અઠવાડિયામાં નક્સલીઓને મોટો કમાન્ડર બસવરાજૂ ઠાર થયો હતો. છેલ્લા દોઢ વર્ષમાં છત્તીસગઢમાં લગભગ 500 નક્સલી અથડામણમાં ઠાર થયા છે. જ્યારે 20 વર્ષોમાં લગભગ 1500 નક્સલીઓની ધરપકડ થઈ અને 3000થી વધારે આત્મસમર્પણ કર્યું છે. આ અભિયાન નક્સલવાદ વિરૂધ્ધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.




