રાજકોટ વેંચવા નીકળતા જ પોલીસે દબોચી લીધા : 32 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ જસદણ, તા.12
- Advertisement -
મૂળ સાબરકાંઠાના અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર પુનિતનગરમાં રહેતાં રમેશભાઈ વીરજીભાઈ નીનામાએ જસદણ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ અગાઉ મામલતદાર ઓફીસમાં નોકરી કરતાં અને વર્ષ 2017માં નિવૃત્ત થયા બાદ 2018થી ગુજરાત રાજય વેરહાઉસ કોર્પોરેશનમાં નોકરી કરે છે તેઓ લીલાપુર વેરહાઉસ કોર્પોરેશનમાં ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવે છે. વેરહાઉસમાં પાંચ ગોડાઉન આવેલ છે ગઈ તા.29/02/2024 ના રોજ સવારના નવ વાગ્યે આ લીલાપુર વેરહાઉસમાં સીકયુરીટી ગાર્ડનો ફોન આવેલ કે, વેરહાઉસની બહાર રાયડો વેરાયેલ છે અને બારી તુટેલ છે, વાત કરતાં તેઓ વેરહાઉસ પર દોડી આવેલ અને વેરહાઉસમાં જોયેલ તો ગોડાઉનમાંથી રાયડાનો જથ્થો ઓછો જણાતા ચેક કરતાં ગોડાઉનમાંથી 675 બોરી ઓછી હતી.
એક બોરીમાં 50 કીલો રાયડો હતો જેથી રાયડાની ખરીદી એક બોરીનો ભાવ રૂ.2997 હતો. જેથી વેરહાઉસમાંથી રાયડોની 675 બોરી રૂ.20,23,312 ના મુદ્દામાલ કોઈ અજાણ્યા શખ્સોએ વેરહાઉસમાં ઘુસી ચોરી કરી ગયાનું સામે આવ્યું હતું ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઈ ટી.બી.જાનીની રાહબરીમાં ટીમે આગળની તપાસ શરૂ કરતાં આરોપીઓ રાયડો વેચાણ કરવા તેમજ મુદ્દામાલ સગેવગે કરવા વિંછીયાથી રાજકોટ જવાના છે તેવી બાતમી આધારે પોલીસે જસદણ-આટકોટ બાયપાસ રોડ પર વોચ ગોઠવી આ ગુનાને અંજામ આપનાર હરેશ પ્રાગજી મકવાણા, મેહુલ ઉર્ફે તળો ભરત ઉર્ફે હોથી મકવાણા, ધર્મેશ ઉર્ફે ધમો રાયા મેટાળીયા, અરવિંદ ઉર્ફે દુદો રામજી મકવાણા, મહેશ ઉર્ફે જેકીટ જેશા મકવાણા, હિતેશ જેશા મકવાણા, વિપુલ રવજી મકવાણા, અરૂણ ટપુ ભોજવીયા, કલ્પેશ ભુપત કટેશીયા અને જેન્તી પ્રાગજી મકવાણા નામના 10 શખ્સોની ધરપકડ કરી 17 લાખની 568 બોરી રાયડો, 4 લાખની બે ઈકો કાર તથા 4 લાખનું માલવાહક અને 7 મોબાઈલ તેમજ 7 લાખ રોકડા મળી કુલ રૂ.32,47,119નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વનરાજ રામજી મકવાણા, લક્ષ્મણ જાદવ, કિશન રમેશ મકવાણા અને સંજય લક્ષ્મણ ધોરીયા નામના શખ્સો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરવામાં
આવી છે.



