-કોરોનાકાળ વખતથી 1.59 લાખ સાઈબર છેતરપીંડીની ફરિયાદો: રાષ્ટ્રીય સ્તરે 22 લાખથી વધુ
ટેકનોલોજીના યુગમાં સાઈબર ક્રાઈમમાં મોટો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં દર સાડા સાતમી (7.5) મીનીટે એક સાયબરક્રાઈમ થાય છે. 1 જાન્યુઆરી 2020થી 15 મે 2023ના અંદાજીત સાડા ત્રણ વર્ષના સમયગાળામાં સાઈબરક્રાઈમનો શિકાર બન્યા હોવાની 159 લાખ ફરિયાદો ગુજરાતીઓએ કરી છે તેનો અર્થ એ થાય છે કે દર મહિને 5585 દરરોજ 186 ગુજરાતીઓ સાઈબર ઠગાઈનો શિકાર બને છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે સાડા ત્રર વર્ષના ઉક્ત સમયગાળામાં દેશના 9 રાજયોમાં સાઈબર ફ્રોડની એક લાખથી વધુ ફરિયાદો થઈ હતી તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીમાં ક્રાઈમ બ્યુરો દ્વારા આ આંકડાકીય રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
- Advertisement -
સાઈબરફ્રોડની કેટલી ફરિયાદોમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી તે વિશેની માહિતી માંગવામાં આવી હતી તેના આધારે એવો ખુલાસો થયો છે કે દેશભરમાં સાઈબર ફ્રોડની 22.57 લાખ ફરિયાદોમાંથી માત્ર 43022 અર્થાત 1.9 ટકામાં જ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી માત્ર 0.8 ટકા સાઈબર ફરિયાદોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 1.59 લાખ અરજીમાંથી માત્ર 1233માં એફઆઈઆર થઈ હતી. અમદાવાદની ખાનગી સાઈબર સિકયુરીટી કંપનીના સીઈઓ સન્ની વાઘેલાએ કહ્યું કે કોવિડકાળ બાદ સાઈબર ક્રાઈમનું ચિત્ર જ બદલાઈ ગયું છે. લોકડાઉન તથા ત્યારબાદના સમયગાળામાં ડીજીટલ વ્યવહારોમાં ઘણો મોટો વધારો થયો છે. ટેકનોલોજીનું અલ્પ ઓછુ જ્ઞાન ધરાવતા લોકોને શિકાર બનાવવા કૌભાંડીયાઓ- હેકર્સોને મોટી તક મળી ગઈ છે. બેંક ખાતાની માહિતી મેળવતા બોગસ કોલથી માંડીને સેકસટોર્શનનું પ્રમાણ વધ્યુ છે.
2021-22માં સાઈબરફ્રોડમાં મોટો વધારો માલુમ પડયો છે. સેંકડો કિસ્સામાં તો ફરિયાદો પણ થતી નથી. રીપોર્ટમાં એવું પણ સુચવાય છે કે 3115 ફરિયાદો સેકસ-ચીટીંગની હતી અને તેમાંથી માત્ર 6 જ એફઆઈઆર થઈ છે.અમદાવાદ પોલીસના સાઈબર વિભાગના ડીસીપી અજીત રજૈનના કહેવા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં સાઈબર ફ્રોડની ફરિયાદો તથા એફઆઈઆર બન્નેમાં મોટો વધારો થયો છે. સાઈબરફ્રોડ વિશે જાગૃતિ વધી હોવાના કારણોસર પણ ફરિયાદમાં વધારો દેખાય રહ્યો છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે સાઈબરફ્રોડમાં ગુમાવેલી રકમ નાની હોય અને વિદેશી ગેંગનો શિકાર હોય તો એફઆઈઆર દાખલ કરવામાં આવતી નથી. જો કે, ફરિયાદ અરજીમાં પણ તપાસ થાય જ છે. એક જ ગેંગને સાંકળતી તમામ અરજીની તપાસ એક સાથે થાય છે.