ICICI બેંકના ક્રેડીટ કાર્ડ માટે રૂ. 6850નું કેસબેક વાઉચર મેળવવાની લાલચમાં યુવાને 1.98 લાખ ગુમાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં દિન પ્રતિદિન ઓનલાઈન ફ્રોડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં ઓનલાઇન છેતરપિંડી કરવા ગઠિયાઓ અનેક નવાનવા નુસખાઓ અપનાવતા હોય છે ત્યારે મોરબીના યુવાનને ક્રેડિટ કાર્ડના પોઇન્ટની લાલચ આપી ગઠિયાઓએ લિંક મોકલી રૂપિયા 1.98 લાખની છેતરપિંડી કરતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબીના ગઢની રાંગ પાસે ખોડિયાર સિલેક્શન નામની પેઢી ધરાવતા અને શનાળા રોડ ઉપર અરિહંત સોસાયટીમાં રહેતા જિગરભાઈ પ્રવીણભાઈ પોપટ નામના યુવાનના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા મોબાઈલ નંબરમાંથી આઇસીઆઇસીઆઈના ક્રેડિટ કાર્ડ માટે 6850 નું કેશબેક વાઉચર મળ્યું હતું જે લિન્કના આધારે યુવાન વેપારીએ આઇસીઆઇસીઆઇ બેંકની રિવોર્ડ એપ્લિકેશન ઉપર ક્રેડિટ કાર્ડની ડિટેઇલ નાખતા જ તેના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 1,98,022.50 રૂપિયા ઉપડી ગયા હતા. આ મામલે યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 420 અને આઇટી એકટની કલમ 66 (સી) તેમજ (ડી) મુજબ ઓનલાઈન ફ્રોડ અંગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.