ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથકમાં આઠ જેટલા કારખાનામાં એકસાથે લૂંટારુ ટોળકીએ આતંક મચાવીને લોકો પર પથ્થરમારો પણ કર્યો હતો જેથી હળવદના પીઆઈની તાત્કાલિક બદલી કરીને નવા પીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો હતો તેમ છતાં પણ બીજા દિવસે નવાં માલણીયાદ ગામના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ ઘરમાંથી કંઈ હાથ ન લાગતા ફળીયામાં સુતેલી તરુણીનો ચોટલો કાપીને અજાણ્યા શખ્સો અંધારામાં ઓગળી ગયા હતા ત્યારબાદ તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ગઈકાલે બુધવારે સમી સાંજે હળવદ શહેરના બે મકાનમાંથી તસ્કરો 1.85 લાખની રોકડ રકમની ચોરી કરી જતા નવાં પીઆઈને તસ્કરોએ ખુલ્લી ચેલેન્જ ફેંકી હોય તેવો ઘાટ સર્જાયો છે.
હળવદની મુખ્ય બજારમાં કંસારાની દુકાન ધરાવતા ધર્મેશભાઈ કંસારા અને તેમના પિતરાઈ કમલેશભાઈ કંસારા શહેરના શરણેશ્વર રોડ ઉપર આવેલ શિવાલીક એપાર્ટમેન્ટમાં રહે છે જે દરમિયાન ગઈકાલે બુધવારે સાંજે બંને ભાઈઓ પોતાની દુકાને હતા અને ઘરની મહિલાઓ પણ દુકાને ગઈ હોય થોડો સમય બંધ રહેલા બંને મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ધર્મેશભાઈ કંસારાના ઘરમાંથી અંદાજે રૂ. 85 હજાર તેમજ તેમના પિતરાઈ કમલેશભાઈના ઘરમાંથી રૂ. 1 લાખની રોકડ રકમની ચોરી કરીને તસ્કરો નાસી છુટયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે હળવદ જાણે રામ ભરોસે થઈ ગયું હોય નિષ્ક્રિય પોલીસની ચારેકોર ટીકાઓ થઈ રહી છે.