ઠગાઇના કેસમાં દોઢ વર્ષથી વૉન્ટેડ
દંપતીને હુબ્લીથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
આઠ દિવસના રિમાન્ડ મંજૂર : મોટી
રકમ હારી જતાં ફ્રોડ આચર્યાની કબૂલાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી 53 રોકાણકારો સાથે રૂપિયા 1.77 કરોડની ઠગાઇના કેસમાં ફરાર દંપતીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોઢ વર્ષ બાદ કર્ણાટકના હુબલી ખાતેથી પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતાં બંનેના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસમાં દોઢ વર્ષ પહેલા શેર બજારમાં બાવીસ ટકા રિફન્ડની લાલચ આપી દંપતિએ 53 રોકાણકારોને લલચાવી નાણાનું રોકાણ કરાવી એક કરોડ સત્યોતેર લાખની ઠગાઇ કરી હતી અને ભાગી ગયા હતાં. આ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ દંપતી રાહુલ રણજીતભાઈ સોની અને તેના પત્નિ અદિતીબેનને ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે હુબલીથી દબોચી લીધા છે આરોપી દંપતી વિરુધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દોઢેક વર્ષ પહેલા વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહીત કાવતરું અને ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ડીપોઝીટરની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો રાહુલ અને તેના પત્નિ અદિતીબેનની વિધીવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં આઠ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
ગાંધીગ્રામ પોલીસના કહેવા મુજબ આરોપી દંપતીની 150 ફૂટ રિંગ રોડ પર એન્જલ-1 શેર માર્કેટ નામની ઓફિસ હતી. બંને શેર માર્કેટમાં 22 ટકા રિફંડની લાલચ આપતા હતા. જેને કારણે રોકાણકારો તેમની જાળમાં ફસાયા હતા આરોપી રાહુલ હાલ હુબલીમાં એક હોટલમાં કામ કરતો હતો. શેર માર્કેટમાં મોટી રકમ હારી જતાં ફ્રોડ આચર્યાનું રટણ કર્યું હતું.