ખાસ-ખબર સંવાદદાતા
સરકારે જૂન 2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી 1.61 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. વાર્ષિક ધોરણે તેમાં લગભગ 12%નો વધારો થયો છે. ગયા વર્ષે જૂન 2022માં 1.44 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું. જ્યારે એક મહિના પહેલા મે 2023માં તે 1.57 લાખ કરોડ રૂપિયા હતો. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ GST કલેક્શનમાં CGST તરીકે રૂ. 31,013 કરોડ, SGSTમાંથી રૂ. 38,292 કરોડ અને IGST તરીકે રૂ. 80,292 કરોડ એકત્ર થયા છે. IGSTની રકમમાં, માલની આયાત પર ટેક્સ તરીકે રૂ. 39,035 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.
જૂન 2023માં GST કલેક્શનના સંદર્ભમાં ટોપ-5 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. ગયા વર્ષની સરખામણીમાં મહારાષ્ટ્રમાં GST કલેક્શન 17% વધીને રૂ. 26,098 કરોડ થયું છે. આ યાદીમાં કર્ણાટક 11,193 કરોડના કલેક્શન સાથે બીજા ક્રમે અને ગુજરાત 10,119 કરોડના કલેક્શન સાથે ત્રીજા નંબરે છે. સમગ્ર નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો કુલ GST કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું. તેના આધારે દર મહિને GST કલેક્શનનો સરેરાશ આંકડો 1.51 લાખ કરોડ રૂપિયા હતો. તે જ સમયે, નાણાકીય વર્ષ 2022-23માં GSTની કુલ આવક અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 22% વધુ હતી.