જુદી જુદી બ્રાંચમાંથી કુલ 559 બોગસ ચલણી નોટ મળતા ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની બેન્કમાં કુલ 559 ચલણી નોટો બનાવટી હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. બેન્કો નકલી નોટો કોઈ પધરાવી જાય તેની તકેદારી રખાતી હોવા છતાં એચડીએફસી બેન્કમાં નકલી નોટો ધાબડી ગયાનું સામે આવ્યું છે. બેન્કની જુદી જુદી બ્રાંચમાંથી 1,41,590ના રકમની કુલ 559 બોગસ ચલણી નોટ મળી આવી હોવાની બેંકના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઇ ભોમિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બેંકની જુદી જુદી બ્રાંચના ભરણામાં જમા થતી તમામ ચલણી નોટ ભક્તિનગર શાખાની કરન્સી ચેસ્ટ બ્રાંચમાં આવે છે.
જે ચલણી નોટ મશીન દ્વારા ચેક કરવામાં આવતી હોય સપ્ટેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના વચ્ચેના સમયમાં રૂ.2 હજારના દરની 14, રૂ.500ના દરની 113, રૂ.200ના દરની 160, રૂ.100ના દરની 232, રૂ.50ના દરની 33, રૂ.20ના દરની 3 અને રૂ.10ના દરની 4 મળી કુલ 559 ચલણી નોટ બનાવટી હોવાનું જાણવા
મળ્યું હતું.
નોંધનીય છે કે, શહેરની જુદી જુદી બેંકોમાંથી મળી આવતી બોગસ ચલણી નોટ અંગેની તપાસની જિમ્મેદારી પોલીસ તંત્રના સ્પે.ઓપરેશન ગ્રૂપને સોંપવામાં આવી છે. પરંતુ હજુ સુધી બેંકમાંથી મળી આવતી બનાવટી ચલણી નોટો અંગે કોઇ તપાસ હજુ સુધી થઇ નથી.
HDFC બેન્કના ભરણામાં 1.41 લાખની નકલી ચલણી નોટ મળી
