રૈયા અને ગોંડલના ત્રણ બહેનો સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ
પૈસા લઈ લીધા બાદ જમીનનો દસ્તાવેજ બીજાને કરી દીધાનું ખૂલ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર સાથે ત્રણ બહેનોએ જમીન વેચાણ કરાર કર્યા પછી દસ્તાવેજ અન્ય વ્યક્તિને કરી દીધાનો અને પોતે લઈ લીધેલા 1.20 કરોડ પણ પરત નહીં આપતા ઠગાઇ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
- Advertisement -
રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ શિલ્પન આઈકોનમાં રહેતા હર્ષ દિલીપભાઈ વિરોજાએ હીરાબા દીલીપસિંહ ચાવડા, હિનાબા દીલીપસિંહ ચાવડા અને મનિષાબા દીલીપસિંહ ચાવડા સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું બાંધકામનો વ્યવસાય કરૂ છું 1 વર્ષ પહેલા દલાલ મારફતે મારે નાસીર ઇબ્રાહીમભાઈ વીકયાણીનો સંપર્ક થયો હતો અને નાસીરએ મને વાત કરી હતી કે, રાજકોટ તાલુકાના ગામ રૈયાના રેવન્યુ સર્વે નં. 301/7 પૈકી 1 પૈકી 1ની જે ટી.પી. સ્કીમ નં.32 (રૈયા)ના એફ.પી. નં.41/7 પૈકીની ખેડવાણ જમીન ચો.મી. આશરે 4320 હીરાબા ચાવડા, હિનાબા ચાવડા અને મનિષાબા ચાવડાની સંયુક્ત કબ્જા ભોગવટા અને માલીકીની આવેલી છે. આ જમીન તેઓ પાસેથી અમે રજીસ્ટર સાટાખત કરાવેલી છે તેમ વાત કરેલ હતી જેમાં નાસીરએ અમને કહ્યું હતું કે, ઉપરોકત જમીન વેચવાની છે. જેથી નાસીર સાથે સોદો કર્યો હતો અને આ નાસીર મારફતે હીરાબાને મળ્યાં હતા અને આ જમીન ખરીદ કરવા નક્કી કરેલ હતું. જમીન ટાઇટલ કલિયર છે અને તમે જે કહેશો તે તમામ ટાઇટલના કાગળો અમે પુરા પાડીશું તેમ જણાવ્યું હતુ. આ જમીન અમે કોઈને વેચાણ કરેલ નથી કે વેચાણ અંગેનુ કોઈ લખાણ કરી આપ્યું કે હાલ આ જમીન પરત્વે કોઈ પણ કોર્ટ-કચેરીમાં કેસ કે વાદવીવાદ ચાલતો નથી, તેવુ જણાવી બાહેધરી આપી હતી.
જે બાદ અમે તથા જીત જેન્તીલાલ સાપરીયા, ભરત રતીભાઈ સાપરીયા, નાસીર, લાલજી વસોયા, હીરાબા દીલીપસિંહ ચાવડા તથા તેમના એક દીકરી તથા તેમના જમાઇ સાથે જમીનની માપણી અંગે ગયા હતા. ઉપરોકત જણાવેલી જમીન ચો.મી. 4320 જમીન માપણી કરી હતી અને બાદમાં અમને આ હીરાબા ચાવડા ઉપર વિશ્વાસ આવતા જમીન પેટે રૂ.7,77,60,000 લેખે વેચાણ રાખવાનું નક્કી કર્યું હતુ. આ જમીનનો સાટાખત નાસીરભાઇના નામે હોવાથી અમે ભાગીદારોએ નાસીરને રોકડા રૂ.1.30 કરોડ આપ્યાં હતા. નાસીર મારફતે આ આરોપી બહેનો હીરાબા ચાવડા, હિનાબા ચાવડા અને મનિષાબા ચાવડાને 1.20 કરોડ આપ્યા હતા તે પછી દસ્તાવેજ કરી આપવા કહેતા વાયદાઓ જ આપ્યા હતા પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો તપાસ કરતાં અગાઉથી જ આ જમીનનો વેચાણ કરાર અન્ય વ્યક્તિને કરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું પૈસા પણ પરત નહીં આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.