લગ્નના 7 વર્ષ બાદ પુત્રનો જન્મ, 6 મહિનામાં દીકરાને ગંભીર બીમારી
અસાધ્ય બિમારી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (જખઅ)થી પીડિત 7 મહિનાના માસુમ ધૃષિવને બચાવવા માટે લાઈફ સેવિંગ ઈન્જેક્શન ખરીદવા મદદ માટે અપીલ
- Advertisement -
પુત્રના જીવન માટે પિતા દર્શન સોનીનો પોકાર: ધૃષિવ માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદમાં રહેતા સોનાલીબેન અને દર્શનભાઇ સોનીના લગ્નના સાત વર્ષ બાદ સંતાન પ્રાપ્તિથી પરિવારમાં ખુશીના માહોલ સર્જાયો હતો. 5 ઓગસ્ટ 2025ના રોજ તેમના ઘરે પુત્ર ધૃષિવનો જન્મ થયો હતો. લાંબા સમયથી સંતાનની રાહ જોઈ રહેલા દંપતી માટે આ ક્ષણ જીવનની સૌથી મોટી ખુશી સમાન હતી. પરંતુ આ ખુશી વધારે સમય ટકી શકી નહીં. જન્મના માત્ર છ મહિના બાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાનકડા ધૃષિવને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (જખઅ) નામની ગંભીર અને દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું. આ સમાચાર મળતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.
- Advertisement -
દરેક નાનું-મોટું યોગદાન ધ્રુષિવને નવજીવન આપી શકે
SMAનો ઈલાજ ઈન્જેક્શનથી જ શક્ય પરંતુ આ ઈન્જેક્શન દરેક દર્દીની પહોંચ બહાર હોય આર્થિક સહાય એક માત્ર ઉપાય
પુત્રના જન્મથી ખુશ થયેલો પરિવાર હવે તેના જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. માતાપિતા માટે પોતાના બાળકને આ ગંભીર બીમારી સામે લડતો જોવો અત્યંત પીડાદાયક બની રહ્યો છે. તેમ છતાં પરિવાર આશા રાખી રહ્યો છે કે યોગ્ય સારવાર અને સમાજના સહકારથી ધૃષિવને જીવનની નવી તક મળી શકે. ત્યારે ધૃષિવને બચાવવા તેના પિતા દર્શન સોની અને પરિવારે સમાજ સમક્ષ ભાવુક અપીલ કરી છે. ધૃષિવને જીવન માટે હવે મોંઘી જિન થેરાપી સારવાર જ એકમાત્ર આશા બની છે, જેના માટે આશરે રૂ.9.50 કરોડ જેટલી રકમ જરૂરી છે. સમાજ અને દાતાઓ સમક્ષ સહાય માટે અરજ કરી રહ્યા છે. પિતા તરીકેની લાગણી વ્યક્ત કરતાં દર્શન સોની કહે છે કે તેઓ પોતાના પુત્રને સ્વસ્થ રીતે વધતા, ચાલતા અને પાપા કહી બોલાવતા જોવા માંગે છે. તેઓએ જણાવ્યું કે દરેક નાનું કે મોટું યોગદાન ધૃષિવના જીવનને બચાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. તેથી શક્ય હોય તેટલી આર્થિક મદદ કરે જેથી ધૃષિવને જીવનનો નવો મોકો મળી શકે.
શું છે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી-SMA ?
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે. આ બિમારીને કારણે બાળકોના સ્નાયુઓને નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્ર્કેલી ઉભી કરે છે. જખઅને લીધે બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો ઢીલી (નબળી) પડવા લાગે છે. બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. સમય-ઉંમરની સાથે આ બિમારી વધતી જાય છે. જોકે આજના આધુનિક જમાનામાં આ બિમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે, જે બિમારીની વૃદ્ધિને અટકાવે છે.
ધ્રુષિવને આર્થિક મદદ કરવા માટે સંપર્કસૂત્ર
દર્શન સોની (પિતા): 85114 44415
સોનાલી સોની (માતા): 85112 22200
ઓનલાઇન સહાય માટે UPI ID: supportdhrish3275@cashfreensdlpb
સહાય કરવા ઇચ્છુક લોકો ધૃષિવના પિતા દર્શન સોની અને માતા સોનાલી સોનીનો સીધો સંપર્ક કરી શકે છે તેમજ ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા પણ મદદ કરી શકે છે. તેમજ જે લોકોએ દાન કર્યું છે અને અત્યાર સુધીમાં કેટલું દાન મળ્યુ છે તેની માહિતી https://www.impactguru.com/fundraiser/help-dhrishiv-soni પરથી જાણી શકાશે.



