એક જિજ્ઞાસુ મને પૂછે છે : “શરદ ભાઈ, તમે ક્યારેક અન્ય મંત્રો વિશે ભલામણ કરો છો, તો ક્યારેક ‘સોહમ’ મંત્ર વિશે વાત કરો છો. અંગત રીતે તમે આ બેમાંથી કયા મંત્રનો જાપ કરવાનું પસંદ કરશો?”
‘ૐ નમ: શિવાય’ એ સૌથી વધારે ઉચ્ચારીત થયેલો મંત્ર છે. આથી આ મંત્રમાં સૌથી વધુ ચેતના રહેલી છે. હું શિવ ભક્ત હોવાથી બચપણથી જ આ મંત્ર પ્રત્યે પ્રગાઢ ખેંચાણ અનુભવતો રહ્યો છું.
‘સોહમ’ એ અજપાજપ છે. વસ્તુત: ‘સોહમ’ એ આખો મંત્ર નથી. પણ મંત્રનો એક અંશ છે. આ મંત્રમાં ત્રણ પદ રહેલા છે. ‘સ’, ‘અહમ’, અને ‘અસ્મિ’. અર્થાત ‘હું બ્રહ્મ છું’ આપણે ત્રીજું પદ ‘અસ્મિ’ વ્યવહારમાં ઉચ્ચારતા નથી. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે ‘સ’ એવો અવાજ થાય છે અને શ્વાસ બહાર કાઢતી વખતે ‘હ’ એવો નાદ ઉઠે છે. આથી આ મંત્રને ’હંસ’ મંત્ર પણ કહેવાય છે. ભલે આપણે આ અવાજો સાંભળી શકતા નથી. પરંતુ તે આપણા નિરંતર ચાલતા શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે વણાઈ ગયા છે. માટે આપણે તેનો જાપ ન કરતા હોઈએ ત્યારે પણ તેનો ઉચ્ચાર થતો રહે છે. આથી તેને અજપાજપ કહે છે.
- Advertisement -
જ્યારે કોઈ સિદ્ધ મહાત્મા સાધકને તેની શ્વાસોચ્છ્વાસની ક્રિયા સાથે સુરતાને જોડવાનું શીખવે છે ત્યારે સાધકનું ચિત્ત આ મંત્ર સાથે જોડાઈ જાય છે. બૌદ્ધ મતમાં અનાપાન સતિનો ઉલ્લેખ આવે છે તે આ જ
ક્રિયા છે.
હું અંગત જીવનમાં જ્યારે ધ્યાનમાં બેસું છું ત્યારે ‘ૐ નમ: શિવાય’નો મંત્ર જાપ કરું છું. પરંતુ દૈનિક કાર્યકાળમાં મારા શ્વાસની ક્રિયા સાથે અવિરત ‘સોહમ’નો નાદ જપતો રહું છું. મને ગંગા સતિના વચનમાં શ્રદ્ધા છે : “વચન વિવેકી જે નર-નારી, પાનબાઈ! તેને બ્રહ્માદિક લાગે પાય.” જો આપણે શરીર ભાવમાં જીવવાને બદલે શિવ ભાવમાં જીવવા માંડીએ તો આપણા તમામ કાર્યોની જવાબદારી સ્વયં બ્રહ્મ પોતાના હાથમાં લઈ લેશે.