જગદીશ આચાર્ય
જીવતો હાથી લાખનો અને મરેલો સવા લાખનો.સુશાંત સિંઘ મરેલો હાથી સાબિત થઈ રહ્યો છે.રાજકારણીઓને મરેલા સુશાંતમાં બિહારની ચૂંટણી જીતવાનો વિજયપથ દેખાવા લાગ્યો છે.ભારતીય રાજકારણમાં લાશોનું મહત્વ વધી ગયું છે.બેવકુફો!બ્રહ્માંડમાં કાંઈ પણ નકામું નથી.મૃત્યુને અવસરમાં પલટવાની અમોઘ કલા સિદ્ધ કરી હોય તો ચિતામાં સળગીને રાખ થઈ ગયેલી લાશની પણ ઉપયોગીતા છે.લાગે છે કે ભારતીય રાજકારણ લાશ કેન્દ્રિત બની ગયું છે.
- Advertisement -
શું ચાલી રહ્યું છે એ દેશમાં?સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે પટણા પોલીસમાં ફરિયાદ નોંધાવી તે પછી ભાજપ અને તેના સાથી પક્ષો ગેલમાં આવી ગયા છે.જીવતો હતો ત્યારે જેનો કોઈ ભાવ નહોતા પૂછતાં એ સુશાંત અચાનક “બિહારનો દીકરો અને બિહારનો સપૂત” બની ગયો છે.સુશીલકુમાર મોદી,રામવિલાસ પાસવાન,ભુપેન્દ્ર યાદવ,શાહ નવાઝ હુસેન,ઝાવડેકર, દેવેન્દ્ર ફડનવીસ જેવા મોટા ગજાના નેતાઓ ટ્વીટ ઉપર ટ્વીટ ફટકારી રહ્યા છે.ન્યુઝ ચેનલો આ નેતાઓના ઇન્ટરવ્યૂ ઉપર ઇન્ટરવ્યૂ કરી રહી છે.સુશાંત સુશાંત થઈ ગયું છે.દેશ આખાને સુશાંતમય બનાવવાનું રાષ્ટ્રીય અભિયાન જોર શોરથી ચાલી રહ્યું છે.
ગાઈડ લાઇન નક્કી થઈ ગઈ છે.એજન્ડા સેટ થઈ ગયો છે.શુ છે એજન્ડા?
“સુશાંતને અન્યાય થઈ રહ્યો છે.માત્ર સુશાંત નહીં, બિહારના દીકરા..સોરી,આપણા બિહારના દીકરા,આપણા બિહારના સપૂત સુશાંતને અન્યાય થઈ રહ્યો છે.દોષીતો(સેના દોષીત એ ખબર નથી,એનું મહત્વ પણ નથી)ને બચાવવાનો,દોષીતોને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.આ માત્ર સુશાંતને નહીં, બિહારને અન્યાય થઈ રહ્યો છે.બિહાર આ અન્યાય સહન નહીં કરે,નહીં કરે અને નહીં જ કરે.બિહારને ન્યાય અપાવીને જ રહેશું…”
અને કોણ કરે છે બિહારના દીકરાને અન્યાય?
જવાબ છે, મહારાષ્ટ્ર સરકાર. કોંગ્રેસના ટેકાથી ચાલતી મહારાષ્ટ્ર સરકાર.
બિહારના સપૂતના કાતીલો(!)ને બચાવી રહી છે કોંગ્રેસના ટેકાથી ચાલતી મહારાષ્ટ્ર સરકાર. બિહારી ભાઈ બહેનો! ઓળખી લેજો આ સરકારને.
આ આખો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.અચાનક ઇ.ડી.રાતોરાત ઝંપલાવે છે.ઇ.ડી.ની સક્રિયતા તો જુઓ,કામ કરતી સરકાર કોને કહે?ભાજપ અને સાથી પક્ષો ગળા ફાડી ફાડીને સી.બી.આઈ. ને કેસ સોંપવાની માંગણી કરી રહ્યા છે.કહે છે,લોકોની માંગણી અને લાગણી છે કે કેસ સી.બી.આઈ. ને સોંપાવો જોઈએ.
અરે ભલા માણસ!એવું તો શું છે એ કેસમાં કે તે સી.બી.આઈ. ને સોંપવો પડે?કેસ સી.બી.આઈ. ને સોંપવા માટે કોઈ કાનૂની,ન્યાયિક માપદંડ હોય કે પછી તમને ફાવતું અને ભાવતું હોય તયારે તેમાં કહેવાતી લોકલાગણી માપદંડ બની જાય?દરેક કેસ શું સી.બી.આઈ. ને સોંપવાનો હોય?રાજ્યની પોલીસની શુ કાંઈ ભૂમિકા જ નથી?રાજ્યની પોલીસ શુ સાવ નકામી છે..?એવા સવાલો સહેજે ઉઠવા જ જોઈએ.પણ સવાલો ઉઠતા અને પુછાતા એ દિવસો ભૂતકાળ બની ગયા છે.
સવાલો પૂછે છે ન્યુઝ ચેનલના એનકરો.એન્કરો નક્કી કરે છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો કે નહીં? સુશાંત..હાય રે!બિહારના દીકરા સુશાંતને કોણે મરવા મજબૂર કર્યો તે ન્યુઝ ચેનલો નક્કી કરે છે.રિયા ચક્રવર્તી સુશાંતના પેઈસા ટકા ખાઈ ગઈ કે નહીં તેનો ચુકાદો ન્યુઝ ચેનલો આપે છે.તપાસનીશ અધિકારીઓએ શું કામ ખોટી મહેનત કરવી જોઈએ એ જ સમજાતું નથી.
- Advertisement -
રાજકારણીઓ અને એન્કરો ઊંધેમાથે થઈ ગયા છે.ઓવરટાઈમ કરી રહ્યા છે.એક મુદાનો કાર્યક્રમ છે કે મુદ્દો ચગાવો.મહારાષ્ટ્ર પોલીસ અમારા બિહારની પોલીસને સાથ સહકાર નથી આપતી એ મુદ્દો ચગાવો.આ એ જ ચેનલો છે જે થોડા સમય પહેલા પાઇલોટ જૂથના ધારાસભ્યોના નિવેદન લેવા ગયેલી રાજસ્થાન પોલીસને રિસોર્ટના દરવાજે હરિયાણા પોલિસે એક કલાક સુધી રોકી રાખી ત્યારે તેનો ઉલ્લેખ પણ નહોતી કરતી.એ ચેનલો આજે મહારાષ્ટ્ર સરકાર ઉપર તૂટી પડી છે.
ચોકઠાં ગોઠવાઈ ગયા છે.બિહારના દીકરાના મૃત્યુએ ખંધા રાજકારણીઓના ચહેરાઓ પર ચમક લાવી દીધી છે.ચહેરા ખિલખિલાટ થઈ ગયા છે.બિહાર વિરુદ્ધ મહારાષ્ટ્રનો ઘાતક મુદ્દો ઝડપભેર સપાટી પર આવી રહ્યો છે.બિહારની ચૂંટણીમાં કદાચ સરકારની સિદ્ધિઓ કે તેની નિષફળતાના મુદ્દાઓ કરતા સુશાંત વધારે ચર્ચાશે.જીવતા લોકોની સુખાકારી,એમની પીડા,એમની વેદના,એમના ભવિષ્ય,એમના વિકાસની ચર્ચા કે ચિંતા કરવાની શું જરૂર છે.અમને તો ચિંતા છે એક અમૂલ્ય લાશની.લાશ ઉપરનું રાજકારણ અમને સદી ગયું છે ડીયર બરખુરદારો.
જીવતા માણસ કરતાં લાશની કિંમત વધારે હોય એવા રાજકીય યુગમાં આપણો પ્રવેશ થઈ ચૂક્યો છે.