પાંચ નંબરની વેન વહેલી સવારે જોતા જ બાળકો દોટ મૂકતા… કારણ કે એ વેનમાં બેસી રાજુકાકા ઢગલાબંધ નાસ્તો, રમકડાં આપતા: બાળકો ખુશીથી ઝૂમી ઉઠતા
સેવા સમર્પણ સ્નેહના દરિયા સમાન સ્વ. રાજુભાઇ ગણાત્રાની દરિયાદિલી-જીંદાદિલી કાયમ યાદ રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના સ્લમ વિસ્તારમાં વહેલી પરોઢે અને ક્યારેક ઢળતી સાંજે પાંચ નંબરની એક મારૂતિ વેન આવતી દેખાય એ સાથે જ બાળકો અને મોટેરાઓ પણ દોટ મૂકીને એ વેનને ઘેરી વળતા… જય જલારામ રાજુકાકા, જય જલારામ રાજુકાકાના નાદ ગુંજી ઉઠતા અને એ પછી વેનમાં સફેદ શર્ટ, સફેદ લેંઘામાં સજ્જ રૂડા રૂપાળા રાજુકાકા દરવાજો ખોલતા અને ઘેરી વળેલા તમામને નાસ્તો, બાળકોને રમકડાં આપી ખુશખુશાલ કરી દેતા… વારે-તહેવારે રોકડ રકમથી પણ ગરીબોને ખુશખુશાલ કરી દેતા… આ વાત થોડા વર્ષો પહેલાની છે…પછી તેમણે નાદુરસ્ત તબિયતને લીધે બહાર નીકળવાનું ઓછું કર્યું હતું, પણ તેમની સેવા દયા ભાવના ઓછી થઇ નહોતી. આ વાત અકિલાવાળા રાજુકાકાની છે.
- Advertisement -
સ્નેહ સમર્પણ અને જીંદાદિલીની મિશાલ એવા રાજુકાકા આજે આપણી વચ્ચે નથી રહ્યા. કાલે બપોરે તેમણે ઓચિંતી સૌની વચ્ચેથી વિદાય લઇ લીધી હતી અને અકિલા પરીવારક સહિત અનેક સ્નેહીઓ, ચાહકોને વિલાપ કરતા છોડી ગયા છે. અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજિતભાઇ ગણાત્રાના નાનાભાઇ અને નિમિશભાઇ ગણાત્રાના કાકા એવા રાજુભાઇ ગણાત્રા એટલે કે સૌના રાજુકાકાનું ગઇકાલે બપોરે અચાનક દુ:ખદ અવસાન થયું હતું. રાજુભાઇ જલારામ બાપાના અનન્ય ભક્ત હતા. એમના મોઢે હંમેશા જલારામ બાપાનું નામ રહેતું. કોઇ મીની જાહેરાત આપવા આવે કે પછી અમસ્તા તેમને મળે તો તેઓ જય જલારામ બોલવાનું અને બોલાવવાનું ચૂકતા નહીં. અકિલાના મીની જાહેરાત વિભાગમાં તેઓ વર્ષો સુધી સક્રિય રહ્યા હતા. અહીં ઓફીસે બેઠા હોય ત્યારે પણ અકિલા કચેરી આસપાસના રહેવાસીઓના બાળકો તેમને ઘેરી વળતા.
રાજુકાકા પાસે આવનાર એક પણ બાળક ખાલી હાથે પાછું ન જતું. બાળકોને ચોકલેટ ભાગ બિસ્કીટ અચૂક મળતા. સ્ટાફના કર્મચારીઓને પણ પ્રસાદીરૂપે અઠવાડીયે-પખવાડીયે ભેટ આપીને પોતે સ્ટાફ પ્રત્યેનો પ્રેમભાવ પણ દાખવતા. એમની સામેથી કોઇ પસાર થાય અને એ પરિચિત હોય અને જો એ જય જલારામ ન બોલે તો તેઓ તેને અટકાવીને પૂછી પણ લેતા કે કેમ જય જલારામ નથી બોલતા? અહીં તેમની જલારામમય જીવનસફરની ઝાંખી થઇ આવતી. રાજુભાઇને સૌ કોઇ રાજુકાકાના નામથી જ બોલાવતા. પૂ. જલાબાપાના પરમ ભક્ત એવા રાજુભાઇ જલારામબાપાની જેમ જે દેને કો ટુકડા ભલાના સૂત્રને સાર્થક કરતા હતા. તેમની દાનધર્મની પ્રવૃતિએ તેમને સતત આજીવન વ્યસ્ત રાખ્યા હતા. હંમેશા ખુશ રહી બીજાને ખુશ રાખતા રાજુકાકાનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી સાથ નહોતું આપી રહ્યું. નરમ ગરમ તબિયત વચ્ચે પણ તેમણે સેવાકીય પ્રવૃતિને વિરામ નહોતો આપ્યો. પ્રસાદી રૂપે તેઓ સ્ટાફ કર્મચારીઓને જય જલારામનું કહેણ મોકલતા રહેતા હતા. અબાલ વૃદ્ધ સૌના રાજુકાકાની ઓચિંતી વસમી વિદાય સમગ્ર અકિલા પરીવારને ઊંડો આઘાત આપી ગઇ છે. સ્વ. રાજુભાઇની અંતિમયાત્રા સાંજે 8:30 કલાકે અકિલા કાર્યાલય, મોટી ટાંકી ચોક ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્નેહી સ્વજનો જોડાયા હતા.
રાજુભાઇ ભારે કરી! ઓચિંતી અલવિદા કહી
ભારે કરી…ભારે કરી… આ શબ્દનો પણ સ્વ. રાજુભાઇ ખૂબ ઉપયોગ કરતા હતા. જય જલારામનો નાદ સતત તેમની જીભે હૈયે રહેતો જ પણ એમની રમૂજીવૃતિ પણ ગજબની હતી. જૂની ફિલ્મોના ગીતોની કેસેટો, વીડિયો, વીસીઆર પ્લેયરની કેસેટોનો તેમની પાસે ખજાનો હતો. જૂના ગીતો ફિલ્મોના પણ ગજબના ચાહક હતા. તેઓ સ્ટાફ કર્મચારીઓ, પરિચિતો, સ્વજનોને સતત હસાવતા રહેતા હતા. જોક્સ કરીને કોમેડી વીડિયો મેસેજ મોકલીને સૌને હસાવવું અને હસવું એમને ખુબ ગમતું. ભારે કરી…ભારે કરી…બોલીને તેઓ સતત સૌને હસાવતા…રાજુભાઇએ ભારે કરી એવા અને જય જલારામના નામના સ્ટીકર્સ પણ તેમણે છપાવ્યા હતા અને સૌને વિતરણ કર્યા હતા. તેઓ પ્રેમાળ હતા, દયાવાન હતા, રમૂજી હતા અને જલાબાપાના પરમ ભક્ત હતા…ભારે કરી…ભારે કરી…રાજુભાઇએ ઓચિંતી અલવિદા કહી…જય જલારામ રાજુભાઇ.