ભૂમાફિયાઓ તો ઠીક પરંતુ વ્હાઈટ કોલર ગણાતાં બિલ્ડરો પણ મહાખંધા
ફ્લેટને બન્યાને માત્ર દોઢ વર્ષ જ થયું હોવા છતા દીવાલોમાં તિરાડો પડી, વરસાદી ઝાપટામાં ભેજ પણ ઉતર્યો
- Advertisement -
અહીં ફાયરના સાધનોનો પણ અભાવ, આગ લાગે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ?
રાજકોટમાં ભૂમાફિયાઓનો ત્રાસ વધી જ ત્યારે વ્હાઈટ કોલર ગણાતા બિલ્ડરોએ પણ ફ્લેટધારકો સાથે ઉલ્લુ બનાવવાનું શરૂ કર્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિકાસશીલ ગણાતા એરીયા માધાપર ચોકડીથી મોરબી તરફ જતા ઓવરબ્રિજ પાસે આવેલી ધ સ્પેસ નામની સોસાયટીના બિલ્ડરોએ ફ્લેટ ધારકોને પૂરતી સુવિધા ન આપતા તેમણે રેરા અને મહાનગરપાલિકાને રજૂઆત કરી છે. પરંતુ અહીંથી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લેટ ધારકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
મળતી માહિતી મુજબ માધાપર ચોકડી પાસે બિલ્ડર રણજીતભાઈ પીઠડિયા, રશ્મિકાંત પોપટ અને દેવાંશુ વોરાએ ધ સ્પેસ નામના 2 તથા 3 બેડરૂમનાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જેમાં દેખાડવામાં આવેલી એમેનિટીઝ (સુવિધા)ઓ જેવું કશું જણાતું નથી. રેરા અને મહાનગરપાલિકામાં જે રીતે એમેનિટીઝ મુજબનો પ્લાન રજૂ કરાયો છે. તેવું હકીકતમાં કંઈ જ નથી. તેમણે યૂ ટ્યુબ પર પોતાની ચેનલમાં તમામ એમિનીટીઝ મુકેલી છે. જેમાં રીઝર્વ પાર્કિંગ, વીડિયો ડોર પણ દર્શાવવામાં આવેલું છે. તેવી કંઈ ફેસિલિટી બિલ્ડરો દ્વારા આપવામાં આવી નથી.
- Advertisement -
ધ સ્પેસ નામના લક્ઝરીયસ ફ્લેટના સી વિંગના 102 નંબરના ફ્લેટમાં રહેતા મુંકુંદભાઈ રાવલે ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બિલ્ડરોએ બ્રોશરમાં જે પ્રમાણે ક્લબ હાઉસ, પાર્કિંગ, સ્વિમીંગ પુલ બતાવ્યો છે તે પ્રમાણેની સુવિધાથી ફ્લેટ ધારકોને વંચિત રાખવામાં આવ્યા છે. મુકુંદભાઈ રાવલના કહેવા મુજબ વિઝીટર પાર્કિંગ જ્યા દર્શાવ્યું છે ત્યાં ગાર્ડન બનાવી નાખ્યું, કોમન પ્લોટની પ્લાનમાં જે જગ્યા દર્શાવી છે ત્યાં સ્વિમીંગ પુલ બનાવી નાખ્યો છે. અહીં ફ્લેટમાં લોકો રહેવા આવ્યા તેને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી ત્યાં ફાયર સેફ્ટીના સાધનો નાખવામાં આવ્યા નથી. પહેલા જ માળે ઘરોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે થોડા વરસાદમાં જ તેમાં ભેજ ઉતરે છે તો ઉપરના માળે શું હાલત થતી હશે જ્યારે બારીઓની સેક્શનનું કામ પણ નબળું કરવામાં આવ્યું છે. જ્યારે બ્રોશર અને પ્લાનમાં જેવો સ્વિમીંગપુલ બતાવ્યો છે તેનાથી વિપરીત સાવ નાના ખાડા જેવો સ્વિમીંગ પુલ બનાવી નાખતા ફ્લેટ ધારકોમાં રોષ ફેલાયો છે.
જે રીતે પ્લાનમાં એમેનિટીઝ દર્શાવી છે તેવું હકીકતમાં કંઈ નથી, રેરા અને મનપાને રજૂઆત પરંતુ કોઈ કાર્યવાહી નહીં
બ્રોશરમાં આધુનિક સ્વિમિંગ પુલ બતાવી સાવ તકલાદી સ્વિમિંગ પુલ ધાબડી દીધું
ધ સ્પેસ ફ્લેટનાં બિલ્ડરોએ ફ્લેટ માલિકોને આકર્ષવા માટે બ્રોશરમાં આધુનિક અને આકર્ષક સ્વિમિંગ પુલ બતાવ્યું જે પ્રથમ તસવીરમાં દેખાય છે જ્યારે ફ્લેટ બની ગયા પછી સાવ તકલાદી સ્વિમિંગ પુલ ધાબડી દીધું હતું જે બીજી તસવીરમાં દેખાય છે.
વિઝીટર પાર્કિંગના સ્થાને ગાર્ડન બનાવ્યું
ૠજઝના પૈસા રોકડા લીધા અને રિસીપ્ટ ન આપી
મુકુંદભાઈ રાવલે એવું પણ જણાવ્યું હતું કે, બિલ્ડરો પર એવો પણ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડરોએ જીએસટી પેટે રોકડા રૂપિયા લીધા છે. જ્યારે તેની રિસીપ્ટ પણ નથી આપી. આમ આવી રીતે ફ્લેટમાં સુવિધા આપવાના બહાને અન્ય ફ્લેટ ધારકોને પણ છેતર્યા છે.
ફ્લેટનું સ્લોગન ‘અનલિમિટેડ ખુશી’ પરંતુ કોઈ ખુશ નથી
ધ સ્પેસના બિલ્ડરો રણજીતભાઈ પીઠડિયા, રશ્મિકાંત પોપટ અને દેવાંશુ વોરાએ પોતાના બ્રોસરમાં અનલિમિટેડ ખુશી એવું સ્લોગન વાપર્યું છે પરંતુ હકીકતમાં કોઈ ફ્લેટ ધારક ખુશ નથી. અમેનિટીઝમાં એટલી બધી ખામીઓ બિલ્ડરોએ રાખી દીધી છે કે, ફ્લેટ ધારકો કંટાળી ગયા છે. અનેક વખત રેરામાં પણ ફરિયાદ નોંધાવી છે.
ક્લબ હાઉસ બ્રોશરમાં કંઈક આવું દેખાડ્યું…
…અને હકીકતનો નઝારો આવો
ટી.પી. શાખાના અધિકારી એમ.ડી. સાગઠિયાએ પણ હાથ ઊંચા કરી લીધા
ફ્લેટ ધારક મુકુંદભાઈ રાવલે કહ્યું કે, અપૂરતી સુવિધાની મનપાના ટી.પી.શાખાના એમ.ડી. સાગઠિયાને રજૂઆત કરી હતી પરંતુ તેણે અમને એવો ઉડાઉ જવાબ આપ્યો કે, અમે કશું કરી નહીં શકીએ. ચર્ચાતી વિગતો મુજબ આવી અનેક ગેરકાયદે મંજુરી આપવામાં નિષ્ણાત ગણાતા રીઢા અધિકારી એમ.ડી. સાગઠિયાની આ બિલ્ડરો સાથે સાંઠગાંઠ હશે…? આવું પ્રથમ વખત નથી બન્યું કે, એમ.ડી. સાગઠિયાનું નામ ન આવ્યું હોય, આ પહેલા પણ આર.કે. પ્રાઈમ-2 સહિતની અનેક બિલ્ડરો સાથે તેમની તાલમેલ જામતી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.