જનેતાએ જ બે વર્ષના પુત્રને કૂવામાં ફેકી મોતને ઘાટ ઉતારી દીધો હતો : હત્યાનો ભેદ ઉકેલતી થોરાળા પોલીસ
આ સંતાન પ્રેમીનું હોવાની પતિએ શંકા વ્યક્ત કરતાં પોતે પ્રેમીને પુત્ર દઈ આવી છે કહી હત્યા કરી હતી
- Advertisement -
માવતર પક્ષના લોકો થોરાળા પહોંચતા સમગ્ર
ભાંડો ફૂટી ગયો : પ્રેમીની સંડોવણી અંગે તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તાલુકાના કુવાડવાથી આગળ બેટી રામપરા ગામના પાટીયા પાસે વાડીના કૂવામાંથી ગત 23મી ફેબ્રુઆરીના રોજ આશરે 3 વર્ષના બાળકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. આશરે બે કે ત્રણ દિવસ પહેલા બાળકનું મોત થયાનું જે તે વખતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમને આધારે અનુમાન લગાવાયુ હતું. પોલીસે આ મૃતક બાળકની ઓળખ મેળવવા અથાગ પ્રયત્નો કર્યા હતા દરમિયાન થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના ભારતનગરમાં રહેતી ભાવુ રણછોડ કીહલા નામની 27 વર્ષની મહિલાનો આ દિકરો જેનું નામ રાયધન અને ઉમર બે વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું જેને ખુદ જનેતા ભાવુએ જ કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિને શંકા હતી કે આ બાળક પોતાનું નથી, ભાવુના પ્રેમી થકી જન્મ્યું છે. આથી તે બાળકને પ્રેમીને આપી આવે છે તેમ કહી નીકળ્યા બાદ કુવામાં ફેંકી હત્યા કરી હોવાનો ધડાકો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેટી રામપરાના પાટીયા નજીક ગત તા. 23/2/25ના રોજ જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108ની ટીમ અને એરપોર્ટ પોલીસની ટીમોએ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકનો મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો એરપોર્ટ પીઆઇ ઇલબેન સાવલીયા અને પીએસઆઇ સાહિતે તપાસ શરૂ કરી બાળકની ઓડખ મેળવવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન થોરાળા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે ભારતનગરમાં રહેતી ભાવુ રણછોડ કીહલાને લઇને તેણીના માતવર પક્ષના લોકો થોરાળા પોલીસ સ્ટેશને આવ્યા હતાં. પીઆઇ એન. જી. વાઘેલાને મળી તેમણે કહ્યું હતું કે-ભાવુના પતિ રણછોડે તેમના દિકરા રાયધન ઉ.રની હત્યા કરી લાશ ક્યાંક ફેંકી દીધી છે પોલીસે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતા રણછોડ કિહલાને ઉઠાવી લઈ બાળક કયાં છે? તેની પૃછા કરતાં પોતે કંઇ જાણતો નથી તેવુ કહેતાં આકરી પુછતાછ થતા તેણે કહ્યું હતું-કે બાળક મારા થકી નથી જન્મ્યું એવી મને શંકા હોવાથી મારે પત્નિ ભાવુ સાથે માથાકુટ થઈ હતી. આથી ભાવુંએ પોતે આ બાળક પોતાના પ્રેમી ગભરૂ ભરવાડને આપી આવે છે તેમ કહી 21/2 કે આસપાસના દિવસે ઘરેથી બાળકને લઈને નીકળી હતી અને પરત આવી ગઇ હતી તેમજ તેણીએ પોતે પ્રેમીને બાળક આપી દીધું છે રણછોડની આ વાત સાંભળી પોલીસને ભાવુ ઉપર જ શંકા ઉપજતાં મહિલા પોલીસની મદદથી પુછપરછ કરતાં ભાવુંએ પોતે દિકરા રાયધનને પ્રેમીને નથી આપી આવી પરંતુ કુવાડવાથી આગળ એક કુવામાં ફેંકી દીધુ છે તેવી કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભાવુ સહિતને સાથે રાખી થોરાળા પોલીસ રામપર બેટી નજીક કુવા પાસે પહોંચી હતી. આ કુવામાંથી જ એક બાળકની લાશ 23/2ના રોજ મળી હોઇ અને એરપોર્ટ પોલીસ તેની તપાસ કરી રહી હોઇ ત્યાંની પોલીસને બોલાવતાં અને બાળકની લાશના ફોટા બતાવાતાં ભાવુ અને રણછોડ સહિતનાએ આ ફોટા રાયધનની લાશના જ હોવાનું ઓળખી બતાવ્યું હતું.
- Advertisement -
પોલીસની વિશેષ તપાસમાં ખુલ્યું હતું કે ચોટીલાના થાન પંથકમાં ખાખળાથર માવતર ધરાવતી ભાવુના લગ્ન ચાર વર્ષ પહેલા રાજકોટના ભારતનગરના છકડો રિક્ષાચાલક રણછોડ કીહલા સાથે થયા હતાં. આ દરમિયાન ભાવુએ એક દિકરા રાયધનને જન્મ આપ્યો હતો જે બે વર્ષનો હતો. જો કે દિકરાના જન્મ પછી પતિ રણછોડને સતત એવી શંકા હતી કે આ બાળક તેનુ નથી પણ પત્નિ ભાવુના પ્રેમી એવા મુળીના પલાસા-પડાસાના ગભરૂ ભરવાડનું છે. આથી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતાં. આથી કંટાળીને ભાવુએ પોતે આ બાળક પ્રેમીને આપી આવે છે કહી ઘરેથી નીકળી હતી અને દિકરા રાયધનને પ્રેમીને આપી આવી છે તેમ કહી પરત આવી ગઇ હતી. પણ હકિકતે તે દિકરાને રામપર બેટીના કુવામાં નાંખીને આવી ગઇ હતી. જેની લાશ બાદમાં 23/2ના રોજ મળી હતી આ હત્યામાં ભાવુ સાથે તેના પ્રેમી કે બીજા કોઇની સંડોવણી છે કે કેમ? તેની વિશેષ તપાસ એરપોર્ટ પોલીસે હાથ ધરી છે.