રાજકોટ કલેકટર દ્વારા સંબંધિત તંત્ર સાથે બેઠક યોજી
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં બી.એફ.-7 કોરોના વેરિયન્ટ ફેલાય નહીં તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે નક્કર પગલાં લેવાનું શરૂ કરવામાં આવેલ છે. જ્યારે આજે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે પણ પગલાં ભરવા માટે આદેશ કરવામાં આવે તે માટે તંત્રને એલર્ટ પર રાખ્યું છે જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને 65 કે.વી.એ. ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. હાલમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે પણ નક્કર પગલાં ભરવા આદેશ કરવામાં આવે તેવી રીતે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે. ઘણા સમયથી કોરોનાનો ફેલાવો હતો નહીં જ્યારે ચીનમાં બી.એફ.-7 કોરોને વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે ત્યારે ફરીથી બુસ્ટર ડોઝ વેક્સિન લોકોને મળે તે માટે રાજ્ય સરકારને બુસ્ટર ડોઝ માટે વાત કરી છે અને ઝડપથી લોકોને બુસ્ટર ડોઝ મળી રહે તે માટે તંત્ર સજ્જ છે. ઘણા સમયથી ઓક્સિજન પ્લાન્ટ સહિતની સામગ્રી બંધ હતી તેની પણ સમીક્ષા કરવામાં આવી છે.
- Advertisement -

આ ઉપરાંત ખાનગી લેબોરેટરી, હોસ્પિટલ સાથે પણ સંકલન કરવામાં આવશે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને કોઈને નડતરરૂપ ન થાય તેવી રીતે 100 બેડનું આયોજન કરેલ છે. જ્યારે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પણ જરૂર પડે વધુ 50 બેડ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડીયન મેડીકલ એસોસીએશનને પણ જાણ કરવામાં આવશે. હાલમાં આપણે ત્યાં કોઈપણ બી.એફ.-7 કોરોનાનો કેસ નથી. માઈક્રો બાયોમેડીકલ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે. આ ઉપરાંત સમરસ હોસ્પિટલ સહિતની હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવશે. કોરોનાના વેરિઅન્ટને પહોંચી વળવા તમામ તંત્ર તથા સંબંધિત તંત્ર સાથે બેઠક યોજવામાં આવશે. આગામી દિવસોમાં કોરોનાની રસી લોકોને મળે તે માટે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે.



