આસામમાં પૂરની સ્થિતિ, અસંખ્ય લોકોને સલામત સ્થળે ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરપ્રદેશ, દિલ્હી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઝારખંડ, ઓડિશા સહિતના રાજ્યોમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહેશે દેશના કેટલાય રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આગામી એક-બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી જશે અને આવતા સપ્તાહમાં દેશભરમાં વરસાદ પડશે. એ પહેલાં અરૃણાચલ પ્રદેશ, આસામમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવની સ્થિતિ થોડા દિવસ યથાવત રહેશે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે. આસામમાં ભારે વરસાદના કારણે ઘણાં જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અસંખ્ય લોકોનું સ્થળાંતર કરાવવું પડયું હતું. હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં આસામમાં ભારે વરસાદની આગાહી કરી છે. એ જ રીતે અરૃણાચલ પ્રદેશ અને મેઘાલયમાં પણ મૂશળધાર વરસાદ પડવાની શક્યતા છે. મેઘાલયમાં ભૂસ્ખલન થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. આસામના કાહિલીપારા, જટિયા અને હટિગાવ ક્ષેત્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તેના કારણે અસંખ્ય ગામ સંપર્કવિહોણા બની ગયા હતા. કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ જળસ્તર ભયજનક સપાટીએ હોવાથી અસંખ્ય લોકોને સલામત સ્થળે
ખસેડાયા હતા.