ગોંડલ પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાંય આજે રાતથી જ ધોધમાર વરસાદ ચાલુ હોવાથી વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાદર નદીમાં ઘોડાપૂરને કારણે ગોંડલથી 8 કિમી દૂર આવેલું વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગોંડલ અને વોરાકોટડા વચ્ચે નદીના કોઝવે પરથી પાંચ ફૂટ પાણી વહી રહ્યું છે. આથી ગામના લોકો ગોંડલ આવી શકતા નથી અને ગોંડલથી ગામમાં જઈ શકાતું નથી. વાસાવડ ગામે વાસાવડી નદીમાં પૂરના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. આ કોઝવે પરથી મનસુખભાઈ સોલંકી (ઉં.વ.55) પસાર થતા હતા ત્યારે પૂરના પ્રચંડ પ્રવાહમાં તેઓ તણાય ગયા છે. ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ છે. રાજકોટમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે.