ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટના માર્ગદર્શક પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ અને સંસ્થાના મહિલા પ્રમુખ ઉષા કપૂરને ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ, રાજ મોદી મળ્યા હતા. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને ઝિમ્બાબ્વે વચ્ચે સનાતન સંસ્કૃતિના પ્રચાર-પ્રસારને વેગ આપવા અને નારી સશક્તિકરણના પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવાનો હતો.
મિસ્ટર મોદીએ સનાતન ધર્મના મૂલ્યો જેવા કે સરળતા, સત્ય અને સાદગીભર્યા જીવનને બિરદાવ્યા હતા. તેમણે પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા અને સનાતન સંસ્કૃતિ કેવી રીતે માનવતા, પર્યાવરણ અને આત્મીયતાને પ્રોત્સાહન આપી શકે તે વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. તેમણે સનાતન સંસ્કૃતિના પ્રચારથી સંબંધોનું મૂલ્ય વધશે અને લોકો ડિપ્રેશન જેવી બીમારીઓથી દૂર રહેશે તેવી આશા વ્યક્ત કરી.
- Advertisement -
આ મુલાકાત દરમિયાન, મિસ્ટર રાજ મોદીએ પૂજ્ય બાપુ અને ઉષા કપૂરને ઝિમ્બાબ્વેની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું. આ મુલાકાત બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. સનાતન ધર્મ સંસ્થાન દ્વારા કરવામાં આવતા સેવાકાર્યોની મિસ્ટર મોદીએ પ્રશંસા કરી અને ભવિષ્યમાં આવા સહયોગ માટે ઉત્સાહ દર્શાવ્યો.



