ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર પંથકના જુદા જુદા વિસ્તારમાંથી અગાઉ અનેક વખત બોગસ ડોક્ટરો ઝડપાયા છે છતાં જાણે સરકારી તંત્રનો ડર ન હોય તેમ હજી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ડિગ્રી વગરના કે બોગસ ડિગ્રીધારી તત્વો માનવ જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે જે બાબતે તંત્ર અંધારામાં છે કે તંત્રની રહેમ નજર છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ આવા લેભાગુ તત્વો ખુલ્લેઆમ હાટડા ખોલીને ઈન્જેક્શનથી માંડી બાટલા ચડાવવા સુધીની સારવાર આપી રહ્યા છે તે દરમિયાન વાંકાનેર તાલુકાના સરતાનપર રાતાવીરડા રોડ પર આવેલ રોસા સિરામિક સામે ડિગ્રી વગર બાલાજી ક્લિનીક ચલાવતા બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બોગસ તબીબ અંગે બાતમી મળી હતી જેથી પોલીસે ઢુવા પીએચસીના મેડીકલ ઓફિસર ધવલ નવીનચંદ્ર રાઠોડને સાથે રાખીને સરતાનપર રાતાવીરડા રોડ પર રેડ કરી હતી જેમાં રોસા સીરામીક સામે આવેલ બાલાજી ક્લિનીકમાં ચેકિંગ કરવામાં આવતા બાલાજી ક્લિનીકમાં કોઈ પણ ડિગ્રી વિના આરોપી સુરેન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તા (ઉ.વ.35, રહે. હાલ જાંબુડિયા, મૂળ બિહાર) દર્દીને દવા આપી દર્દીની જિંદગી જોખમમાં મુકતો હોવાનું ખુલ્યું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસે બોગસ તબીબ સુરેન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તાને ઝડપી લીધો હતો અને ક્લિનિકમાંથી એલોપેથીક દવા સહિત કુલ રૂ. 52,844 નો મુદામાલ જપ્ત કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ધવલ રાઠોડની ફરિયાદને આધારે બોગસ તબીબ વિરૂદ્ધ આઈપીસી કલમ 336 અને મેડિકલ પ્રેક્ટિશ્નર એક્ટની કલમ 30, 33 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.