મીનાક્ષી ચંદારાણા
યમુના તટે રમણીય બાગના ખુશનુમા વાતાવરણમાં પુષ્પોથી સુગંધિત પવનની મદમસ્ત મંદ-મંદ લહેરખીઓ વચ્ચે, બાગનાં પુષ્પો જેવી જ મદમસ્ત એક સુંદર યુવતી ટહેલતી હતી, કંઈક વિચારતી હતી, ગણગણતી હતી. બાગની પુષ્પલતા અને યુવતીની દેહલતા જેવી જ રમણીય કોઈ વાત, સુંદર વિચાર તેના મનમાં આકાર લઈ રહ્યાં હતાં. યુવતી એ સુંદર વિચારને શબ્દનું સ્વરૂપ આપી હોઠ પર લાવવા મથતી હતી.
- Advertisement -
અનાયાસ એના હોઠેથી એક વિચાર કાવ્યદેહ ધરીને પ્રગટ થયો:
ચહાર ચીજ જે દિલ ગમ બુરદ-કુદામ ચહાર?
શરાબ, સબ્જ: ઓ આબે રવાં બરુએ-નિગાર.
- Advertisement -
અર્થાત્:
છે ચાર ચીજ કઈ, જે કરે દૂર હૃદયનું દુખ?
આસવ, લીલોતરી, ઝરણાં ને રૂપાળું મુખ!
આ પંક્તિઓ ગણગણતાં એ યુવાન કવયિત્રી તરત જ સહેમીને આજુબાજુ જોઈ લે છે. એને ડર છે કે દિલ્હીમાં તે સમયે ફેલાયેલા રૂઢિચુસ્ત વાતાવરણમાં કોઈ ક્યાંક તેને આમ શરાબ અને શબાબનાં ગુણગાન ગાતાં સાંભળી તો નથી ગયું ને? દિવસો કપરા હતા, સ્ત્રીઓ માટે તો ખાસ; પછી ભલે એ ગમે તેવા આર્થિક સ્તરની કે ઉચ્ચવર્ણી કેમ ન હોય!
અને તેનો આ ભય સાવ અસ્થાને પણ ન હતો. તેનાથી થોડે જ દૂર અન્ય એક વ્યક્તિ પણ એ સમયે, તેનો અવાજ સાંભળી શકે તેટલા નજીકના અંતરે જ હાજર હતી. અને યુવતીના હોઠે આવેલી પંક્તિઓનો અણસાર પામીને એ વ્યક્તિ તેની સામે હાજર પણ થઈ ગઈ. તેને જોઈને યુવતી ચોંકી ગઈ, ભયભીત થઈને કાંપી ગઈ. કારણ કે તેની સામે અચાનક આવી ચડેલ એ વ્યક્તિ તેના પિતા જ હતા, જે પોતાના રૂઢિચુસ્ત વલણ માટે કુખ્યાત હતા.
યુવતીના સદ્ભાગ્યે, પિતાએ તેની પંક્તિઓ બરાબર સાંભળી ન હતી. પિતાની આંખોમાં ન સમજાય એવો પ્રશ્ન જોતાં જ ચાલાક કવયિત્રીએ તત્કાળ પોતાની પંક્તિઓના ભાવને પલટો આપીને સામેથી જ પિતા સામે રજૂ કરી દીધી:
ચહાર ચીજ જે દિલ ગમ બુરદ-કુદામ ચહાર?
નમાજો રોજ: ઓ’ તસબીહો તૌબ: ઈસ્તગફર!
અર્થાત્:
છે ચાર ચીજ કઈ જે કરે દૂર હૃદયનું દુ:ખ?
રોજા નમાજ, માળા, પશેમાનીમાં છે સુખ!
‘વાહ, વારી જાઉં તારા પર…’ યુવાન પુત્રીના મોંએ પોતાના ધર્મ વિષેના વિચારોને પડઘાતાં સાંભળીને રૂઢિચુસ્ત પિતા પુત્રીની મેધાવી પ્રતિભાથી અંજાઈને એટલા તો ખુશ થઈ ગયા, કે તેણે પોતાની પુત્રીને શાયરી કરવાની છૂટ આપી દીધી! પિતા તરફથી મળેલી આ સોગાતથી ઝૂમી ઊઠેલી પુત્રી આનંદિત થઈને પોતાની મૂળ પંક્તિઓ, અલબત્ત મનમાં જ, ગણગણવા લાગી.
લાહોર નજીક નવકોટના એક બાગમાં ખંડિયેર સમો એક મકબરો છે. કબર પર એક જૂની-પુરાણી આરસની તકતી છે જેના પર કબરમાં સૂતેલ મસૃણ હૃદયની સામ્રાજ્ઞીની પોતાની જ લખેલી પંક્તિઓ કોતરેલી છે:
બર મઝારે માં ગરીબાં નૈ ચિરાગે, નૈ ગુલે,
નૈ પરે પરવાન: સોજદ, નૈ સદાએ-બુલબુલે.
અર્થાત્:
મુજ ગરીબની આ મજારે ના દીપક, ના છે ફૂલો,
પાંખ ના જલતી અહીં, ગાતાં નથી અહીં બુલબુલો.
દિલ્હીના બાગમાં ખીલેલી પ્રણયની બહારો રેલાવતી પેલી યુવાન દેહલતા, કે પછી લાહોર પાસે સૂમસામ, અવાવરું ખંડિયેર સમી કબર નીચે દફન ગરીબ સ્ત્રીનું નામ હતું ઝેબુન્નિસ્સા, જે પોતાના સમયની એક ખૂબસૂરત સ્ત્રી હોવાની સાથોસાથ મગરૂબ અને શક્તિશાળી, પણ એક મુલાયમ વ્યક્તિત્વ ધરાવતી કવયિત્રી હતી, અને અત્યંત રૂઢિચુસ્ત અને ધર્માંધ એવા તેના પિતા, તે સમયના મહાન મોગલ શહેનશાહ ઔરંગઝેબ હતા.
1637માં જન્મેલ ઝેબુન્નિસ્સા ખ્યાતનામ મોગલ સમ્રાટ ઔરંગઝેબ અને પર્શિયાના સફવિદ કુળની માતા દિલરાસબાનોનું ફરજંદ હતી, જેનું જીવન અને કવન પોતાના સમયમાં અત્યંત સફળ અને વિખ્યાત હોવા છતાં બહુ થોડા સમયમાં ગુમનામીના અંધકાર હેઠળ ભુલાઈ ગયું.
ઝેબુન્નિસ્સાના જન્મ સમયે શાહજહાં ગાદી પર હતો. શાહજહાંના પુત્ર ઔરંગઝેબે દિલ્હીની ગાદી સંભાળી ત્યારે ઝેબુન્નિસ્સા એકવીસ વર્ષની હતી. પહેલું સંતાન હોવાથી તે ઔરંગઝેબની બહુ જ લાડકી હતી. અન્ય ચાર બહેનોમાં બીજી બે બહેનો પણ કવિતા લખતી હતી, પરંતુ ઝેબુન્નિસ્સાની પ્રખર બુદ્ધિમત્તા અને મેધાવી પ્રતિભાને કારણે ઔરંગઝેબે તેને પોતાના દરબારમાં પડદા પાછળ સ્થાન આપ્યું હતું. રાજકાજના આટાપાટામાં ઔરંગઝેબ ઝેબુન્નિસ્સાની સલાહ પણ લેતો અને તેનાં સૂચનો પર અમલ પણ કરતો.
ઝેબુન્નિસ્સા ‘મખ્ફી’ ઉપનામથી શાયરી કરતી. મખ્ફી એટલે છુપાયેલું, અદૃશ્ય. ઝેબુન્નિસ્સાના આ ઉપનામનાં અનેક પરિમાણ હતાં. ઉપરછલ્લું જોઈએ તો ઝેબુન્નિસ્સા ચહેરા પર જાળીદાર બુરખો ઓઢીને પરદા પાછળથી ઔરંગઝેબના દરબારની કાર્યવાહી જોયા કરતી એટલે તેને આવું ઉપનામ મળ્યું હતું, તેમ કહેવાય છે. પરંતુ ખરી વાત તો એમ હતી કે તેને પોતાનું કવયિત્રી તરીકેનું વ્યક્તિત્વ ઔરંગઝેબથી વર્ષો સુધી ગોપિત રાખવું પડ્યું હતું.
અત્યંત લાડકી ઝેબુન્નિસ્સાની કેળવણીની જવાબદારી ઔરંગઝેબે પોતાના એક વિશ્વાસુ દરબારી નૈશાપુરીની પત્ની મરિયમ હાફિઝાને સોંપી હતી. મરિયમે બહુ ટૂંકા સમયમાં જ શાહજાદી ઝેબુન્નિસ્સાને લખવા-વાંચવામાં પારંગત કરી દીધી. અદ્ભુત પ્રતિભાની માલિકણ ઝેબુન્નિસ્સાએ સત્વરે સંપૂર્ણ કુરાનેશરીફ્ કંઠસ્થ કરીને આઠ વર્ષની ઉંમરે પિતાને સંભળાવ્યું ત્યારે અત્યંત ખુશ થઈને ઔરંગઝેબે ઝેબુન્નિસ્સાને પુરસ્કાર સ્વરૂપે ત્રીસ હજાર અશરફીઓ ભેટમાં આપી. રાજકુમારીની આ સિદ્ધિ પર રાજધાનીમાં દિવસો સુધી ઉત્સવ મનાવવામાં આવ્યો.
એ જમાનો તો હતો રૂઢિચુસ્તતાનો. સ્ત્રીઓ હંમેશાં પર્દાનશીન, પરપુરુષોની નજરથી ઓઝલ, માત્ર ઘરમાં પુરાઈને જ રહેતી. પણ રાજકુમારીની પ્રતિભા જોઈને ઔરંગઝેબે તેને ઉચ્ચશિક્ષણ આપવાનું નક્કી કર્યું. વિદ્વાન સૈયદ મુલ્લા અશરફને ઝેબુન્નિસ્સાને અરબી અને ફારસી ભાષા શીખવવાની જવાબદારી સોંપવામાં આવી. ઝેબુન્નિસ્સાએ ખૂબ લગનથી આ બન્ને ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. તે ઉપરાંત ગણિત અને ખગોળશાસ્ત્રમાં ઊંડો રસ લઈને વિવિધ વિષયોનાં અનેક ગ્રંથોને અરબી અને સંસ્કૃત ભાષામાંથી ફરસી ભાષામાં અનુદિત કરીને પોતાના પુસ્તકાલયમાં વસાવ્યાં.
અને આ બધાં શોખ અને શિક્ષણ વચ્ચે કંઈક એવું થયું, કે ભાષાના લગાવને કારણે ઝેબુન્નિસ્સામાં કવિતાનું બીજ અનાયાસ રોપાઈ ગયું. શરૂઆતમાં વિવિધ ભાષાઓમાં લખાયેલી કવિતાઓનાં પુસ્તકો વાંચીને મન મનાવતી ઝેબુન્નિસ્સાના મનના અતળ ઊંડાણમાં કવિતા પાંગરી ચૂકી હતી. ધીરે-ધીરે એ કવિતા શબ્દાકારે કાગળ પર ઊતરવા તો લાગી, પણ મજબૂરી એ હતી કે કવિતાનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવાનો કોઈ માર્ગ ન હતો. ફારસી કવિતાની જવાનીના એ કાળમાં પણ એક સ્ત્રી હોવાના નાતે અને ઔરંગઝેબની પુત્રીના નાતે કોઈને પૂછી શકાય તેમ પણ ન હતું. પિતાના કડક અને રૂઢિચુસ્ત સ્વભાવનો તેને પરિચય હતો.
પણ કવિતા જેનું નામ, કે એ પથ્થરમાંથી પણ રસ્તો કાઢી લે! ઝેબુન્નિસ્સામાં રોપાયેલું ભાષાપ્રેમનું બીજ કવિતારૂપે બહાર આવવાનું જ હતું. સંજોગવશાત તેણે લખેલી કવિતાના કાગળો તેના શિક્ષક સૈયદ મુલ્લા અશરફના હાથમાં આવી ગયાં. ઝેબુન્નિસ્સાએ શરૂઆતમાં તો ઔરંગઝેબને જાણ થવાના ભયથી વાત છુપાવવાની કોશિશ કરી જોઈ. પણ મુલ્લા અશરફે ઝેબુન્નિસ્સાના વિચારોની પરિપક્વતા અને ભાષાની પ્રવાહિતાના સંગમ સમી કૃતિઓને વખાણી, ત્યારે ઝેબુન્નિસ્સાએ નિરુપાય કબૂલાત કરવી પડી. ઝેબુન્નિસ્સાની રચનાઓને મુલ્લા અશરફનાં આશીર્વાદ અને ઇસ્લાહ મળ્યાં. સોનામાં સુગંધ ભળી.
લગભગ એ જ અરસામાં ઔરંગઝેબને પણ ઝેબુન્નિસ્સાની શાયરીનો પરિચય પેલા બાગમાં મળ્યો. અને તે સાથે જ ઝેબુન્નિસ્સાની કવિતાને પરવાન અને પરવાનો પણ મળી ગયાં.
પરંતુ રૂઢિચુસ્ત, પરંપરાવાદી અને રીતરિવાજોને જ પ્રાધાન્ય આપતા ચુસ્ત સુન્ની-મુસ્લિમ પિતાથી વિપરીત ઝેબુન્નિસ્સા એક સૂફી કવયિત્રી થવા સર્જાઈ હતી. પિતા તરફથી મળેલી છૂટને કારણે શાહજાદીનો એક આગવો કવિ-દરબાર સ્થાપિત થઈ ગયો. ઝેબુન્નિસ્સાની ખૂબસૂરતી સાથે તેની શાયરીના ઉમદા મિશ્રણે દિલ્હીમાં એક ઉન્માદ સર્જી દીધો. નાસીરઅલી સરહિંદી, મિર્ઝા મુહમ્મદઅલી ‘સાયબ’, મુલ્લા તાહિર ‘ગની’, નેમત ખાં ‘આલી’, ‘બહરોજ’, વગેરે ફારસી શાયરો ઝેબુન્નિસ્સાના કવિ-દરબારમાં હાજરી આપવા લાગ્યા. પોતાની કેટલીયે રચનાઓ તેમણે ઝેબુન્નિસ્સાને નામ અર્પણ કરી દીધી, જેમાં સફઉદ્દિન અર્દવેલી રચિત ‘જેબુત્તફસીર’ અને આકિલખાં મીર અસ્કરી નિર્મિત્ત ‘દીવાન’ અને ‘મસનવી’નો પણ સમાવેશ થાય છે.
ઝેબુન્નિસ્સાને પોતાના કાકા દારા શિકોહ માટે ખૂબ જ લાગણી હતી. શાહજહાં તો ઝેબુન્નિસ્સાનાં લગ્ન દારાના પુત્ર સુલેમાન સાથે કરવા ધારતા હતા. સુલેમાન સાથે ઝેબુન્નિસ્સાની સગાઈ પણ થઈ ચૂકી હતી, છતાં ઔરંગઝેબના વિરોધને કારણે એ સંબંધ લગ્નમાં પરિણમ્યો નહીં.
એ સમયે શાહ ફરુખ નામના એક યુવાન કવિએ ઝેબુન્નિસ્સા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેનો ઝેબુન્નિસ્સાએ અસ્વીકાર કરતાં શાહ ફરુખે એક શેર લખી મોકલ્યો:
મુકર્રર કર્દ: અમ દર દિલ અજીં દરગાહ ન ખ્વાહમ રફત,
સર ઈજા, સિજદા ઈજા, બંદગી ઈજા, કરાર ઈજા.
અર્થાત્:
કે આ મંદિર છોડીને નહીં જાવાનો નિશ્ચય છે,
શરણ અહીંયાં, નમન અહીંયાં, અહીં સેવા, અહીં સુખ છે!
પણ માનુની ઝેબુન્નિસ્સાએ યુવાન કવિના આકર્ષણે ખેંચાઈ જવાનું પસંદ કરવાને બદલે તેને જવાબ પાઠવતાં એક શેર લખી મોકલ્યો:
ચે આસાં દીદઈ આશિક! તરીક: ઇશ્કબાજી રા;
તપ ઈજા, આતિશ ઈજા અખગર ઈજા ઔર શરર ઈજા.
અર્થાત્:
અરે પ્રેમી! સરળ્માની લીધો તેં પ્રેમનો મારગ,
તપન છે, આગ છે, ચિનગારી છે, તણખા છે આ પથ પર!
આમ ઝેબુન્નિસ્સાની કવિતા અને તેના બેનમૂન રૂપની જવાળામાં હોમાવા અનેક પરવાનાઓએ પ્રયત્ન કરી જોયા હતા, પણ ઝેબુન્નિસ્સાનું દિલ તો કોઈ અન્ય જગ્યાએ રીઝેલું હતું.
ઝેબુન્નિસ્સાના દરબારમાં મોભાનું અને મોખરાનું સ્થાન જાળવનાર આકિલખાં અને ઝેબુન્નિસ્સા વચ્ચેના પરસ્પર અનુરાગની અનેક વાતો પ્રચલિત છે, પરંતુ ઝેબુન્નિસ્સાની શાયરીમાં આ સંબંધના ઉલ્લેખની ગેરહાજરી આશ્ચર્યજનક રીતે સૂચક છે. શાયરીના સંદર્ભે આથી વિરુદ્ધ ઉલ્લેખો અવશ્ય જોવા મળે છે. આકિલખાં એક વખત લાહોરમાં હતા ત્યારે ઔરંગઝેબ કાશ્મીરથી પાછા વળતાં લાહોરમાં વિરામ કરવા રોકાયા હતા. હંમેશની જેમ ઝેબુન્નિસ્સા પણ ઔરંગઝેબ સાથે મોજૂદ હતી. સૂર્યાસ્ત સમયે બાગમાં ટહેલતા આકિલખાંની નજર છત પર ઊભેલી, ડૂબતા સૂર્યને જોવામાં તલ્લીન એવી ઝેબુન્નિસ્સા પર પડી. આકિલખાંએ ઝેબુન્નિસ્સાને સંબોધીને એક મિસરો કહ્યો:
સુર્ખ પોશે બલબે બામ નજર મી આયદ,
અર્થાત્:
લાલ વસ્ત્રે એ મને છતને કિનારે છે મળી,
આકિલખાંના મનના ભાવોને પારખીને શાહજાદીએ બીજો મિસરો કહી શેર પૂરો કરવાને બહાને આકિલખાંને પ્રત્યુત્તર પાઠવ્યો,
ન બજારી, ન બજોરો, ન નજર મી આયદ.
અર્થાત્:
ના મળે આંસુ વહાવ્યે, ના બળ્યે, ના ધન થકી.
પણ આકિલખાંનાં દિલો-દિમાગ પર સવાર આશકી એમ ઝેબુન્નિસ્સાનો પીછો છોડે તેમ ન હતી. બીજે દિવસ, આકિલખાં ચોપાટ રમતી શાહજાદીના ઝરૂખા નીચે સાધારણ મજૂરવેશે પહોંચી ગયા અને શાહજાદીની નજર તેમના પર પડી કે તરત જ તેમણે કહ્યું,
મન દર તલબત દિર્દે જહાં ભી ગર્દમ;
અર્થાત્:
ખોજમાં તારી પૂરો સંસાર હું ઘૂમી વળ્યો;
ચતુર શાહજાદી છદ્મ વેશે આવેલા આકિલખાંને ઓળખી લીધા અને તરત જ જવાબ પાઠવીને શેર પૂરો કર્યો,
ગર બાદ શવી બર સરે જુલ્ફ્મ ન રસી.
અર્થાત્:
કેશ મારા તું સમીર થઈનેય ના પામી શક્યો.
શાહજાદીના તિરસ્કાર છતાં આકિલખાંએ પોતાના પ્રયત્નોમાં ઓટ આવવા ન દીધી. ઔરંગઝેબના દરબારમાં દરોગા તરીકે ગોઠવાઈને પરદાનશીન ઝેબુન્નિસ્સાની નજર સમક્ષ આવતાં રહીને છેવટે તેણે ઝેબુન્નિસ્સાના કવિ-દરબારમાં સ્થાન મેળવી લીધું. એ પછી આકિલખાં માટે શાહજાદીના દિલ સુધીનો માર્ગ ખાસ કઠિન ન રહ્યો.
એમના પ્રણયની વાત આમ તો જગજાહેર થઈ ન હોત, પરંતુ કવિ-દરબારમાં મોજૂદ ઝેબુન્નિસ્સાના રૂપના દીવાના અને તેની શાયરી પર મુગ્ધ, પણ તેને પામવામાં નાકામિયાબ કોઈ પરવાના શાયરે ઔરંગઝેબના કાને ઝેબુન્નિસ્સા અને આકિલખાંના વધતા જતા સંપર્કોની ચાડી ફૂંકી દીધી.
ઝેબુન્નિસ્સા અને આકિલખાંના પ્રણયની આગ રૂઢિચુસ્ત ઔરંગઝેબને દઝાડી ગઈ. તેણે આકિલખાંને દરબારમાં પ્રવેશબંધી ફરમાવી દીધી અને અફવાઓની ખરાઈ કરવા માટે તેણે ઝેબુન્નિસ્સાને કેટલીક તસવીરો બતાવીને તેમાંથી પોતાના માટે પસંદગીનો વર શોધવા આદેશ આપ્યો. એ તસવીરોમાં આકિલખાંની તસવીર અચૂક સામેલ હતી.
ઔરંગઝેબના બદઇરાદાઓથી નાવાકેફ ઝેબુન્નિસ્સાએ ભોળા ભાવે આકિલખાંની તસવીર સહર્ષ પસંદ કરીને ઔરંગઝેબને આપી. ખલાસ! ઝેબુન્નિસ્સા અને આકિલખાં વચ્ચેના નાજુક સંબંધોનો પુરાવો ઔરંગઝેબને મળી ગયો હતો. લગ્ન કરી આપવાના બહાને તેણે આકિલખાંને આમંત્રણ પાઠવ્યું, પણ આકિલખાંના સદ્ભાગ્યે અંદરની વાત જાણતા દરબારી મિત્રોએ આપેલી ચેતવણીને કારણે આકિલખાંને ઔરંગઝેબના કાવતરાની ગંધ આવી ગઈ. આકિલખાં ચેતી ગયા. મગરૂર આકિલખાંએ લગ્નનું આમંત્રણ સન્માનપૂર્વક પાછું ઠેલ્યું અને ઔરંગઝેબના દરબારમાંથી પણ રાજીનામું આપી દીધું!
ઔરંગઝેબ અને આકિલખાં વચ્ચેના આ બનાવે ઝેબુન્નિસ્સાના સપના પર વજ્રાઘાત થયો. આકિલખાંએ ધીરે-ધીરે પણ મજબૂતાઈથી ઝેબુન્નિસ્સાના દિલ પર મજબૂત આસન-શાસન જમાવી દીધું હતું. તેનું સપનું ઔરંગઝેબે ચકનાચૂર કરી દીધું હતું. આકિલખાંની જુદાઈનો ઘાવ ભરાવો સહેલો ન હતો!
અહીં ઝેબુન્નિસ્સાની કવિતાનો ઇતિહાસ એક જબરજસ્ત વળાંક લે છે! એક સમયે આકિલખાંની પ્રેમઅરજને ઝેબુન્નિસ્સાએ ઠુકરાવી હતી. હવે પરિસ્થિતિ એ જ રહી હોવા છતાં પાત્રો પોતાની જગ્યા બદલે છે!
નિરાશ ઝેબુન્નિસ્સા મોકો મળતાં આકિલખાંને એક મિસરો લખીને મોકલે છે,
શુનીદમ તર્ક-ખિદમત કર્દ આકિલખાં બ નાદાની;
અર્થાત્:
કરી બેઠા ન જાણે કેમ આકિલ આમ નાદાની;
અહીં આકિલ શબ્દનો સંદર્ભ અક્કલવાળા સાથે છે. અક્કલવાળા આકિલખાંએ પ્રત્યુત્તર વાળતાં લખ્યું,
ચેરા કારે કુનદ આકિલ કિ બાજ આયદ પશેમાની.
અર્થાત્:
ન કરશે કામ એ આકિલ, કે જેથી હો પશેમાની.
આકિલખાં સાથેના ઝેબુન્નિસ્સા સાથેના સંબંધોનો આમ અકાળે દુ:ખદ અંત આવ્યો. પરંતુ જીવનના આ વળાંકે ઝેબુન્નિસ્સાની શાયરીને સૂફી અંદાઝ આપ્યો. તેની શાયરી હવે કવિ-દરબારની સીમાઓને વળોટીને આમ જનતામાં, સૂફી શાયરીઓ લલકારતા ફકીરો સુધી પહોંચી ગઈ હતી. તેની વધતી જતી ખ્યાતિ અને લોકપ્રિયતા ઔરંગઝેબને અકળાવતાં હતાં, પણ ઝેબુન્નિસ્સા આખરે તેની પુત્રી હતી અને શાયરી કરતાં રોકી ન શકાય તેવી તેની લોકપ્રિયતા થઈ ચૂકી હતી.
અકળાયેલા ઔરંગઝેબે મશહૂર ફારસી શાયર નાસિરઅલી સામે ઝેબુન્નિસ્સાનો મુકાબલો ગોઠવ્યો. શરત એ હતી કે અલીના મિસરાનો સર્વસ્વીકૃત જવાબ ઝેબુન્નિસ્સા ત્રણ દિવસમાં ન આપી શકે, તો તેણે શાયરીને કાયમ માટે રુખસદ આપવી.
શરત આકરી હતી. એક તરફ મશહૂર શાયર અલી હોય, સામે નાજુક હૃદયની મલેકા ઝેબુન્નિસ્સા હોય. ઝેબુન્નિસ્સા હારે તો શાયરીને રુખસદ અને જીતે તો? જીતે તો કંઈ નહિ! અલીના પક્ષે તો કંઈ ગુમાવવાનું હતું જ નહીં!
અને છતાં ઝેબુન્નિસ્સા માટે આ આકરી શરત એ આખરી તક પણ હતી. શક્તિશાળી ઔરંગઝેબ સામે એ પોતાની લોકપ્રિયતા સિવાયની કોઈ મૂડી વાપરી શકે તેમ ન હતી અને વધુ એક વખત લોકપ્રિયતા, પ્રસિદ્ધિ હાસિલ કરવા આ મોકો હતો.
ઝેબુન્નિસ્સાએ મુકાબલો કબૂલ રાખ્યો.
નાસિરઅલીએ ઔરંગઝેબની સૂચના મુજબ અઘરો અને અટપટો મિસરો તૈયાર રાખ્યો હતો.
દુર્રે અબલક કસે કમ દીદા મોજૂદ,
અર્થાત્:
કો’ શ્વેત શ્યામ મોતી મળવું છે છેક દુષ્કર,
અનેક શાયરીઓની રચયિતા કવયિત્રી, નાસિરઅલીના આ મિસરામાં ગૂંચવાઈ ગઈ. ત્રણ દિવસની અગાધ મહેનત અને અનેક પ્રયાસો પછી પણ, નબળી પાદપૂર્તિ કરવી કે મુકાબલામાંથી ખસી જવું, બંને માર્ગે શાયરીને તો તિલાંજલિ જ આપવી પડે તેમ હતું. અને નામોશી મળે એ ઝેબુન્નિસ્સાને મંજૂર ન હતું.
ત્રીજા દિવસે થાકી-હારીને ઝેબુન્નિસ્સાએ પોતાની પ્રિય દાસી મિયાંબાઈને બોલાવીને હૈયાવરાળ કાઢી. શાયરી વગરનું જીવન કે નામોશીભરી જિંદગીને બદલે તેણે હીરો ચાટીને જાન આપવાની તૈયારી કરી લીધી. મિયાંબાઈ ઝેબુન્નિસ્સાની દાસી જ નહીં, પણ ખૂબ જ અંતરંગ સખી પણ હતી. આ વાત સાંભળીને એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. રડતી મિયાંબાઈને છાની રાખતાં ઝેબુન્નિસ્સા એને વળગી પડી. મિયાંબાઈની આંખોમાંથી વહેતાં ચોધાર આંસુને જોઈને સ્વભાવાનુસાર ઝેબુન્નિસ્સાના મનમાં પંક્તિઓ આકાર લેવા માંડી, જે અનાયાસ નાસિરઅલીના પ્રથમ મિસરા સાથે અદ્દલ મેળ ખાતી હતી.
હવે કોઈ ફિકર રહી ન હતી! હવે મિયાંબાઈએ આંસુ વહાવવાની કે ઝેબુન્નિસ્સાએ હીરો ચાટવાની જરૂર ન હતી! સાંજ પડવાની રાહમાં બંને સખીઓ ગોષ્ઠીમાં સરી ગઈ.
સાંજે ભરાયેલા દરબારમાં ઝેબુન્નિસ્સાએ શેર પૂરો કરતાં કહ્યું,
દુર્રે અબલક કસે કમ દીદા મોજૂદ,
બાજુદ અશ્કે બુતાને સુરમાં આબુદ.
અર્થાત્:
કો’ શ્વેત શ્યામ મોતી મળવું છે છેક દુષ્કર,
સિવાય કે મળે સુરમો જઈને અશ્રુ ભીતર.
આખો દરબાર ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. ક્ષણભરમાં દરેક કવિએ અને શાયરે ભાષાના ખેરખાંઓએ, ઝેબુન્નિસ્સાએ કરેલી પાદપૂર્તિને એક અવાજે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી.
ઔરંગઝેબ આખરી પ્રયાસ પણ હારી ગયો. ઝેબુન્નિસ્સા ફરી એક વખત મશહૂર થઈ ગઈ. શાયરીના મુકાબલામાં જે સખીના આંસુઓને કારણે ઝેબુન્નિસ્સા જીતી ગઈ તે મિયાંબાઈની કદર રૂપે તેણે 1664માં લાહોરમાં બંધાયેલો ચૌબુરજી બાગ મિયાંબાઈને અર્પણ કરવાની સાથોસાથ પોતાની એક શાયરી પણ આરસપહાણમાં કોતરાવીને ચૌબુરજી બાગના દરવાજે ચણાવી દીધી જે આજે પણ મોજૂદ છે. તકતીમાં લખ્યું છે,
રૂપ અને યૌવનની મહારાણી ઝેબુન્નિસ્સા તરફથી…
સ્વર્ગ સમો આ બાગ રચાયો છે,
મિયાંબાઈને ભેટ અપાયો છે.
પ્રખ્યાત શાહજહાંનામામાં પણ આ ચૌબુરજી બાગ અને મિયાંબાઈની કહાણી સવિસ્તાર આલેખાઈ છે.
ઝેબુન્નિસ્સા સામે હારી ગયેલા ઔરંગઝેબે ન છૂટકે તેને શાયરી કરવાની સંપૂર્ણ છૂટ આપવી પડી. શાયર નાસિરઅલી ખુદ પણ આ બનાવ પછી ઝેબુન્નિસ્સાથી અંજાઈને તેના પ્રેમમાં પડી ગયા. આકિલખાંના ગમમાં ડૂબેલી ઝેબુન્નિસ્સાનાં યૌવન અને કવનને નાસિરઅલીના પ્રેમનો સાથ મળ્યો. તેમના પ્રેમની વાતો ફરીથી વહેતી થઈ અને ફરીથી ઔરંગઝેબનો કહેર ઝેબુન્નિસ્સા પર વીંઝાયો. નાસિરઅલીની કતલ સાથે ફરીથી ઝેબુન્નિસ્સાની એક ઓર પ્રેમકહાણીનો કરુણ અંજામ આવ્યો.
કાલાંતરે ઔરંગઝેબની ક્રૂરતાનો શિકાર તેની એક સમયની લાડકી આ દીકરી અને દરબારમાંની સલાહકાર એવી ઝેબુન્નિસ્સાને પણ બનવું પડ્યું. વાત એમ બની કે ઔરંગઝેબની સેના એક ખૂંખાર યુદ્ધમાં રાજપૂતો સામે લડી રહી હતી, ત્યારે તેના પુત્ર અકબરે રાજપૂતો સાથે ભળી જઈને બળવો કર્યો, પણ ઔરંગઝેબની અપાર સેના સામે તેની કોઈ ચાલ ચાલી નહીં. વાત ખૂલી ગઈ અને અકબરે ઈરાન તરફ ભાગવું પડ્યું. બબ્બે વખત પ્રેમભંગ થયેલી ઝેબુન્નિસ્સા ભ્રાતૃપ્રેમવશ ભાઈ તરફ ઢળીને અકબરને પત્રો લખતી રહી. અકબરના ઝેબુન્નિસ્સા પરના પત્રો ઔરંગઝેબના હાથે ઝડપાઈ ગયા!
શાયરીના મુકાબલામાં મળેલી હારની નામોશીથી અકળાઈ રહેલા ઔરંગઝેબે આ તક જતી ન કરી. બાગી અકબરને પત્રો લખવાના દેશદ્રોહના ગુના બદલ ઔરંગઝેબે ઝેબુન્નિસ્સાને સલીમગઢના કિલ્લામાં કેદ કરી લીધી. ગગનમાં વિહરતું પંખી આખરે સૈયાદની કૈદમાં પુરાઈ ગયું. પરંતુ કૈદમાં પણ બુલબુલે ગાવાનું ન છોડ્યું! પોતાને મળેલી કૈદનો ઉલ્લેખ કરતાં ઝેબુન્નિસ્સાએ શાયરીમાં લખ્યું,
તામરા જંજીર દર પાએ-દિલે દીવાન: શુદ,
દોસ્ત શુદ દુશ્મન મરા હર આશન: બેગાન: શુદ.
અર્થાત્:
ઝંઝીરો પગમાં પડી તો દિલના ટુકડા થઈ ગયા,
દોસ્ત, દુશ્મન ને પરિચિતો પરાયાં થઈ ગયાં.
દર્દા કિજે કૈદે-સિતમ આઝાદ ન ગશ્તમ,
યક લહજ: જેગમહાય જહાં શાદ ન ગશ્તમ.
અર્થાત્:
હાયે સિતમ-કેદથી આઝાદ હું ના થઈ કદી,
દુખભર્યા સંસાર માંહે શાદ હું ના થઈ શકી.
1689માં લાહોર ખાતે (અને બીજા એક મત મુજબ 1702માં દિલ્હી ખાતે) કેદમાં જ ઝેબુન્નિસ્સા મૃત્યુ પામી. તેના મૃત્યુ વખતે ઔરંગઝેબ દક્ષિણનાં રાજ્યોને હરાવી પોતાના ધર્મ અને રાજ્યનો ફેલાવો કરવામાં વ્યસ્ત હતો. પણ તેની પડતીના દિવસો બહુ દૂર ન હતા. ઝેબુન્નિસ્સાના મૃત્યુનાં પાંચેક વર્ષ બાદ ઔરંગઝેબનું પણ મૃત્યુ થયું.
ઝેબુન્નિસ્સાના મૃત્યુ પછી તેના ઉપનામ ‘મખ્ફી’ સાથે લખાયેલી કવિતાઓ તેના સમકાલીનોમાં ફરતી થઈ ત્યારે છેક બધાંને તેના સૂફી અંદાઝનો પૂરેપૂરો ખ્યાલ આવ્યો. ધીરે-ધીરે તેની લોકપ્રિયતા બુલંદ થઈ અને છેવટે તેના મૃત્યુનાં બાવીસ વર્ષ બાદ ‘દીવાન-એ-મખ્ફી’ નામે તેની કવિતા ફારસી ભાષામાં પ્રગટ કરાઈ. દીવાન-એ-મખ્ફીમાં લગભગ ચારસો ગઝલો અને પાંચ હજાર શેર સમાવિષ્ટ હતાં.
શાયરી ઉપરાંત ઝેબુન્નિસ્સાએ કેટલાક નિબંધો પણ લખ્યા છે. તેના અન્ય પુસ્તકોમાં ‘મોનીસ-ઉલ-રોહ’, ‘ઝેબ-ઉલ-મોન્શાન’ અને ‘ઝેબ-ઉલ-તફસિર’નો સમાવેશ થાય છે.
‘ખફલફુશક્ષય-ઞહ-ૠવફફિ’યબ’ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ઝેબુન્નિસ્સાએ લગભગ પંદરેક હજાર શેર લખ્યા છે.
દિલ્હીમાં તેની કવિતાનાં પુસ્તકોનું પ્રકાશન 1929માં અને તહેરાનમાં 2001માં થયું હતું. ઝેબુન્નિસ્સાની હસ્તપ્રતો ‘નેશનલ લાઇબ્રેરી ઑફ પેરીસ’, ‘લાઇબ્રેરી ઑફ બ્રિટિશ મ્યુઝિયમ’, જર્મનીની ‘લાઇબ્રેરી ઑફ તુબ્બીજન યુનિવર્સિટી અને ભારતની ‘મોતા લાઇબ્રેરી’માં સચવાયેલી છે. સરોજિની નાયડુએ પણ ઝેબુન્નિસ્સાના એક મિસરા પરથી અંગ્રેજીમાં કવિતા કરી હતી.
કાલની ગર્તમાં ખોવાઈ ગયેલી આ ખૂબસૂરત કવયિત્રી અંગે આધુ