યુવા નેતા કિશન રાઠોડના અનોખા પ્રયાસને ધારાસભ્ય સહિત આગેવાનોએ બિરદાવી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
નવરાત્રી તહેવાર એટલે માતા આદ્યશક્તિની આરાધનાનો પર્વ. સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ, ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉજવાય છે. પરંતુ પોરબંદરના યુવા નેતા કિશન રાઠોડ છેલ્લા 13 વર્ષથી આ પર્વને એક અનોખા અંદાજમાં ઉજવી રહ્યાં છે. તેઓ અને તેમની ટીમ વિશિષ્ટ શક્તિ ધરાવતા મનોદિવ્યાંગ બાળકો સાથે નવરાત્રીનું આયોજન કરી તેમના જીવનમાં ઉત્સાહ અને ઉમંગના રંગ ભરે છે.
- Advertisement -
શનિવારે પાગાબાપા આશ્રમ પાસે આવેલ શિશુકુંજ ખાતે ઉઉં આર્યન ગ્રુપના તાલે વિશિષ્ટ બાળકો સાથે એકદિવસીય ગરબા મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ બાળકો સાથે ગરબા રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ટીમના સભ્યો પણ ઉઉં ના તાલે બાળકો સાથે બાળ બની ઝૂમી ઉઠ્યા હતા. ગરબા રમ્યા બાદ બાળકોને આકર્ષક ભેટો આપવામાં આવી હતી તથા નાસ્તા-ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
તમામ બાળકોને વિજેતા કહી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ આ અનોખી સેવા માટે કિશન રાઠોડ અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ બાળકોને પરિવાર સમજી છેલ્લા કેટલાય વર્ષોથી સતત પ્રોઈસાહન અને સ્નેહ પૂરો પાડવામાં આવી રહ્યો છે, જે પ્રશંસનીય છે. સાથે જ સંસ્થાના સંચાલકોને પણ અભિવાદન આપ્યું હતું. આ આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, નિલેષભાઇ બાપોદરા, તીર્થરાજ બાપોદરા, સામતભાઇ ઓડેદરા, રામભાઇ ઓડેદરા, ભરતભાઇ ઓડેદરા, થનગનાટ ગ્રુપના માલદે મોઢવાડિયા, મહેન્દ્રસિંહ જાડેજા, સિદ્ધાર્થ ગોસાઇ, જયદીપ સોલંકી, રાજ પોપટ, ઉમેશરાજ બારૈયા, ચિરાગ વદર, યશરાજ ચુડાસમા, ચિરાગ ચાંચિયા, બિરજુ શિંગરખિયા, દિક્ષિત પરમાર, ભરત ખરા સહિત અનેક આગેવાનો તથા ટીમના સભ્યો હાજર રહ્યા હતા. આ અનોખી નવરાત્રી ઉજવણી દ્વારા બાળકોમાં આનંદ, ઉત્સાહ અને જીવનપ્રત્યે નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.