કેમ કાગળ પર ચીતરવી ઝંખનાને, તું પુરાવા સ્પર્શના આજે નવા દે
વહાલી જિંદગી,
- Advertisement -
તું ક્ષણે ક્ષણે મારી પરીક્ષા લઈને પણ જીવાડવાનાં કરોડો ઉપાયો બતાવે છે. તું મને તાવે, તડપાવે, ટીપે, ઘડે ત્યારે મારી ભીતર સતત ઘંટારવ ગૂંજ્યા કરે છે. તારા સનગ્લાસના ચશ્માની પાછળ રહેલી સાચુકલી આંખોમાં જે પ્રેમ છે એ ભલે પ્રગટ નથી કિંતુ મને એનો તરજૂમો કરતાં આવડી ગયું છે. હું એકલો બેઠાં બેઠાં તારું સ્મરણ કરું છું ત્યાં જ પવનની લહેરખી આવીને મારાં કાનમાં તારો સંદેશો પહોંચાડી જાય છે. હું ઊછળી પડું છું. પવનને બાથ ભરવા અધીરો થઈ જાઉં છું, એ જ ઘડીએ ગુલમહોરનું એક પાન નીચે આવી મને વળગી પડે છે. મારી અંદરથી સતત એક અવાજ આવ્યાં કરે છે; ” જિંદગી સાથે આખા જગતને ચાહ્યાં કર, તને ક્યારેય કોઈ વાતનું ઓછું નહીં આવે.” પછી જાત સાથે વાતે વળગી ફરીથી જિંદગીનાં પ્રેમમાં પડું છું.
તે ના જાણે મને અવિરતપણે કંઈ કેટલુંય આપ્યાં કર્યું છે. જિંદગી! તું મારાં ન શ્વસાયેલાં પ્રત્યેક શ્વાસની આશા છે. તું મારી શ્રદ્ધાનું શાલિગ્રામ છે. તું જ મારાં ગડગુમડિયાં ગણેશની પવિત્ર આસ્થાનું કેન્દ્રબિંદુ છે. હું આંખો બંધ કરી મારી સમર્પણવૃત્તિને કામે લગાડી તારી કલ્પનામાં ખોવાઈ જાઉં છું, ત્યારે તું માટીનાં કણકણમાં હોવાની સાબિતી આપી જાણે એવું કહી રહી છે; “હું અને મારો પ્રેમ તારી રગ રગમાં દોડી રહ્યાં છીએ.” આ શબ્દો સાંભળી હું તારા ચરણોમાં ઢળી પડું છું. તારા ચરણ અને તારી છાતી મારો વિસામો છે. ત્યાં પહોંચીને હું શાલિગ્રામ કે ગણપતિને એકાકાર કરી શકું છું. આપણાં ઉપર ભગવાનની કૃપા જ્યારે ચારેય હાથે વરસતી હોય ત્યારે એ કૃપાને ઝીલી પ્રસાદ ગ્રહણ કરવાનો હોય, એમાં ખોવાઈ જવાનું હોય. ત્યાં શંકા – સમાધાનના હિસાબો માંડનાર તો નર્યો મૂર્ખ જ કહેવાય. હું કશું પણ વિચાર્યા વગર મારાં ભગવાનની કૃપા મસ્તક પરથી ઝીલી છેક ભીતર સુધી ઉતારતો રહું છું. ઠંડા પવનની એક લહેરખી મારામાંથી પસાર થઈ તારો સંદેશો પહોંચાડી જાય છે ત્યારે હું પ્રેમની ઠંડકમાં ગુલમહોર – ગરમાળા જેમ ખીલી ઊઠું છું. જિંદગી! તું મારાં આત્માનું સંગીત છે. મારી આંખોના રતનનું રૂપાળું અને નાજુક સ્વપ્ન છે.
એટલે જ હું બહુ જતનથી સાચવી તને મારા હૃદયના ઊંડાણમાં મલમલના ગાલીચા પર બેસાડી પ્રેમથી વીંઝણો નાખું છું. અંધારી રાત્રિના ભયાનક સન્નાટામાં ખૂબ જ રાહત આપતો તમરાનો ત્રમત્રમ અવાજ એટલે તું. જિંદગી! તું મારી આંગળીમાંથી હૃદયના તારને ઝણઝણાવી ઊંડે ઊંડે બજતો તંબુરાનો તાર છે, જેને મેં હૃદયસ્થ કર્યો છે. આ તારના જોડાણથી જ હું પવિત્ર બન્યો છું. મારે કિરતાર સાથે પણ તાર જોડવાની જરૂર નથી કારણ કે તું જ મારો કિરતાર છે અને તું જ મારી કરતાલ છે. મને જીવવું અતિશય વહાલું લાગે છે કારણ કે હું જિંદગીને ચાહું છું. હું તો બસ ઓરણીમાં સપના ઓરતો જાઉં છું. તું મારાં એ બધાં જ સપનાને મહેકાવી, મહોરાવી સાચા પાડતી જાય છે. મારે તો રોજ દિવાળી જ દિવાળી છે. હું હર ક્ષણે પ્રકાશપર્વ ઉજવું છું. મારું આખું જીવન જાણે ઉત્સવનું નગર બની ગયું છે. તારી પાંપણનાં દરેક પલકારા મારાં જીવનની પ્રત્યેક પળને લંબાવ્યે જતાં બે ધોરીમાર્ગ બની ગયા હોય એમ હું એ પાંપણનાં રસ્તે પ્રેમને પાથરતો જાઉં છું. પછી મારો પ્રેમપંથ ક્યાંય અટકતો નથી, એ તો લંબાતો જાય છે
- Advertisement -
યુગો સુધી… મનવંતરો સુઘી…
સતત તને ચાહતો…
જીવ
(શીર્ષકપંકિત:- ડૉ. પરેશ સોલંકી)