પૂજય બાપુ
તમે મંદિરની સન્મુખ છો ઝાલર ઝણકાર
અમે દૂર રહી વાગતાં નગારાં
તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર
અમે પાછલી તે રાતના તારા
- Advertisement -
વ્હાલી જિંદગી,
તું મારા હૃદયમાં ભરાતો બારમાસી મેળો છે. લાગણીઓના લીસ્સા સરવાળામાં હું તને ગુણાતી જોઉં છું અને જીવતરના સઘળા દુ:ખોનો ભાગાકાર કરી મારી પાસે જે કંઈ આનંદ બચે છે એ શેષ તું છે. તું મારા દિલના સઘળા આનંદનું અણમોલ વ્રત છે જે વ્રત દ્વારા હું મારા આત્માને સદાય શુદ્ધ થયેલો જોઉં છું. પાંપણના દરેક પલકારે મારે સમયને સાધવો છે. તારા દિલના દરેક ધબકારે મારે તારા શ્વાસમાં ભળીને શ્વસવું છે. તારા વાળની દરેક લટમાં મારા હૃદયને હીંચકા ખવડાવવા છે. હું સંપૂર્ણ તારો છું એની ખાતરી આપવા માટે મારે તારા દિલની છેક ભીતર સુધી પહોંચીને લાગણીના ઝરણાને વહેતું મૂકવું છે. તારા વધેલા નખમાં પણ હું પહોંચી જઈ એવી ક્ષણને ખોતર્યા કરીશ જેને આપણે ધોધમાર જીવી ગયા છીએ. જિંદગી! હું તારા બીડાયેલાં હોઠમાં છું. છુપાઈને બે દાંત વચ્ચેની જગ્યાએથી બહાર નીકળતું પતંગિયું છું જે જિંદગી જેવા મદઝરતા ફૂલની આસપાસ સતત ઘૂમ્યા કરે છે અને છેક અંદર સુધી જઈ જીવનરસને ચૂસી પોતાના અસ્તિત્વને મહેકાવે છે. જિંદગી તું મારી લાગણીઓનો રેલો છે. માગશર અને પોષની પૂનમનું મદઝરતું તેજ જેમ ધરતી પર પથરાય એમ તું મારા રોમેરોમમાં પથરાયેલી છે. તારા વેણની એક જ હાંકલ થી હું સાબદો થઈ જાઉં છું કારણકે તારી દરેક વાતમાં મને દિવ્યતા દેખાય છે. તું મારા આથમતા સૂરજની લાલિમા છે અને વહેલી પરોઢનું ઝલમલ મોંસૂઝણું છે.
કોઈ જ અધૂરત કે ઓછપ વગર હું તારામાં ધોધમાર જીવું છું. હૈયું છલોછલ ભરાયેલું હોય ત્યારે માણસ તૃપ્તિનો અનુભવ કરે છે. આ અહેસાસ જ અસામાન્ય હોય છે. જાણે હૃદયમાંથી અઢળક પંખીઓના ટહુકા સંભળાતા હોય અને ભીતર ખળખળ ખળખળ ઝરણા વહેતા હોય એમ મારી અંદર આનંદ પથરાયેલો અનુભવું છું. જિંદગી! તું મારા હૃદયમાં સ્થાપિત શ્રી સવા છે અને દિલમાં કંડારાયેલો સાથિયો છે. હું સતત પ્રેમ જાપ કરું છું અને એ જાપનું ઉચ્ચારણ છેક તારા અંતર સુધી પહોંચી જાય છે. આપણી વચ્ચે સહેજે ય અંતર નથી પણ અત્તરના ફૂવારા છે… લાગણીઓનું ઝરણું છે… સ્નેહનું ઘોડાપૂર છે… અંતરના ઉમળકાનો ઘૂઘવાટ છે. જિંદગી! તું મારી દરેક આવતીકાલનો અજવાસ અને જીવાતી બધી જ ક્ષણના સુખનો સરવાળો છે.મારે તો તારામાં સ્થાપિત થઈ વિલીન થઈ જવું છે, ઓગળી જવું છે. મને સતત જીવતો રાખવો એ તારું કર્મ મારી અંદર નર્મમર્મ ઉત્સવ જેમ સતત ઉજવાય છે. હું ક્ષણના દરેક ઉત્સવને હોશભેર ઉજવી લઉં છું,મનાવી લઉં છું. તું ના માની શકાય એવા એક વૈશાખી બપોરનું ચડી આવેલ વાદળ છે. તારા એકે એક ટીપાંને હું હથેળીમાં ઝીલી શ્રદ્ધાપૂર્વક આંખ અને મસ્તક પર લગાવી ચરણામૃત જેમ મારામાં ભેળવી દઉં છું. જિંદગી! તે મને જગતને સાચી રીતે જોવાની અને જાણવાની દ્રષ્ટિ આપી છે. તારા ઉપકાર ગણવા માટે આંગળીના વેઢા અને માથાના વાળ પણ ઓછા પડે. હું જે કંઈ જીવું છું,અનુભવું છું એ બધું જ તને આભારી છે. મારા શરીરમાં રહેલા પ્રાણતત્વમાં તું આસન લગાવી બેસેલી છે. મારા શ્વાસોશ્વાસમાં તું વહી રહી છે અને મને કાનમાં કહી રહી છે; ” મને ભરપૂર જીવી લે, ભોગવી લે. હું હંમેશા તારી સાથે, તારામાં છું. ” બસ આ શબ્દો મને જીવાડી જાય છે, જીતાડી જાય છે.
પ્રત્યેક ક્ષણ તને જીવતો…
જીવ.