આર્યનનું કબૂલનામુ: મિત્ર અરબાઝ મર્ચન્ટ જૂતામાં 6 ગ્રામ ચરસ લક્ઝરી ક્રૂઝ પર લાવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ખાને એનસીબીના અધિકારીઓ સામે પોતે ચરસનું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ પોતાના જૂતામાં 6 ગ્રામ ચરસ સંતાડીને લક્ઝરી ક્રૂઝ પર લાવ્યો હતો, જેથી તેઓ સમુદ્રમાં ક્રૂઝ પર ધમાકેદાર પાર્ટી કરી શકે. મુંબઈના દરિયામાં 2 ઓક્ટોબરની રાતે એનસીબીએ લક્ઝરી ક્રૂઝ પર દરોડો પાડ્યો હતો. તેને લઈ મહત્વની જાણકારી સામે આવી છે.
- Advertisement -
એનસીબીના અધિકારીઓએ જ્યારે ક્રૂઝમાં અરબાઝને તેના પાસે કોઈ ડ્રગ્સ છે તેવો સવાલ કર્યો ત્યારે તેણે પોતાના જૂતામાં ડ્રગ્સ સંતાડેલું હોવાનું જણાવ્યું હતું. એનસીબી દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યાર બાદ અરબાઝે પોતે જ પોતાના જૂતામાંથી એક ઝિપ લોક પાઉચ કાઢ્યું હતું જેમાં ચરસ હતું.
અરબાઝે સ્વીકાર્યું હતું કે, તે આર્યન ખાન સાથે ચરસનું સેવન કરે છે અને તેઓ ક્રૂઝ પર ધમાલ મચાવવા માટે જઈ રહ્યા હતા. એનસીબીના અધિકારીઓએ આર્યન ખાનને સવાલ કર્યો ત્યારે તેણે પણ પોતે ચરસનું સેવન કરે છે અને તે ચરસ ક્રૂઝની યાત્રા દરમિયાન સ્મોકિંગ માટે લઈ જઈ રહ્યા હતા તેમ જણાવ્યું હતું. લક્ઝરી ક્રૂઝ કોરડેલિયા પર દરોડાની આ ડિટેઈલ એનસીબીના પંચનામા પર આધારીત છે.
પંચનામા પ્રમાણે ઝિપ લોક પાઉચમાંથી કાળા રંગનો ચીકણો પદાર્થ નીકળ્યો હતો અને ડીડી કિટ દ્વારા તેની તપાસ કરવામાં આવી તો તે ચરસ હોવાની પૃષ્ટિ થઈ હતી.