આજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
24 કલાક બાદ ઠંડીનું જોર વધશે, તાપમાન 2થી 3 ડિગ્રી ગગડ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવામાન નિષ્ણાંત અને જ્યોતિષ બાદ હવે હવામાન વિભાગે પણ ગુજરતામાં માવઠાંની આગાહી કરી છે. આજે (22 જાન્યુઆરી) કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, યલો અલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું પડવાની શક્યતા છે. વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ઠંડીની વાત કરવામાં આવે તો આગામી 24 કલાક બાદ બે દિવસ માટે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારબાદ ફરી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 16.8, અમરેલીમાં 14.6, વડોદરામાં 19, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, દાહોદમાં 14.3, દમણમાં 18.2, ડાંગમાં 15.7, ડીસામાં 15.3, દીવમાં 16, દ્વારકા 17.8, ગાંધીનગર 16, કંડલા 16.5, નલિયા 10.4, ઓખામાં 19, પોરબંદરમાં 16, રાજકોટમાં 14.8, સુરતમાં 17.8 અને વેરાવળમાં 18 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
થોડા દિવસ પહેલાં પરેશ ગોસ્વામી અને જયપ્રકાશ માઢકે પણ આગાહી કરી હતી
- Advertisement -
અગાઉ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડવાની શક્યતા છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ જ્યોતિષ અને હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે પણ જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, ઠંડીની લહેર અને ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીની લહેર આવશે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે.



