રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કુલ 11, 67, 200 કિલો શાકભાજીની આવક થઇ હતી જેની સામે ભાવ છેલ્લા ચાર માસની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો ઉમટી પડતા આસિ.સેક્રેટરી બી.એચ. સોરઠીયાએ સ્ટાફ મારફતે વાહનોની લાઇન કરાવી હરરાજી શરૂ કરાવી હતી. વધુમાં યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે શાકભાજીમાં નવી સિઝનની સર્વિધિક આવક થઇ હતી, શાકભાજી ભરેલા અંદાજે 1000 જેટલા વાહનો આવ્યા હતા. આવક વધવાની સાથે જ ભાવ ઝડપભેર ગગડયા હતા. હજુ જેમ ઠંડી પડશે તેમ આવક વધશે અને ભાવ ઘટશે.
યાર્ડમાં આજે ટોપ ક્વોલિટીના શાકભાજીનો મહત્તમ ભાવ પ્રતિ કિલોના રૂ.25 સુધી રહ્યો હતો. યાર્ડના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે ચાર મહિના પૂર્વે શાકભાજીની અન્ય રાજ્યો તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આયાત કરવી પડતી હતી. જ્યારે હાલ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાંથી એટલી આવક થઇ રહી છે કે રાજકોટ શહેરની 20 લાખની વસતીની જરૂરિયાત પૂર્ણ થયા પછી પણ જથ્થો વધતો હોય હવે અન્ય રાજ્યોમાં નિકાસ કરાઇ છે.આગામી દિવસોની મેરેજ સિઝનમાં અનેક લગ્નપ્રસંગો યોજાનાર હોય હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ તેમજ કેટરર્સના એડવાન્સ ઓર્ડરનું પ્રમાણ વધ્યું છે.