પરમ આદરણીય વિજયભાઈ,
ગોદી મીડિયાનાં પત્રકાર કિન્નર આચાર્યનાં સાદર નમસ્કાર!
કુશળ હશો, તેવું કહેવું અસ્થાને છે. કારણ કે ગુજરાત કુશળ નથી- એટલે તમે પણ કુશળ ન જ હોવ. સ્વાભાવિક છે.
ગુજરાત પર ઘેરું સંકટ છે, કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આવા સમયે મેં જોયું કે, કેટલાંક લોકો કોરોનાને ટાર્ગેટ કરવાને બદલે તમને અને તમારી સરકારને ટાર્ગેટ કરી રહ્યાં છે. તેમનું નિશાન કોરોના નથી, તમે છો. આ વાઈરસ જાણે ચીનનાં વુહાનની વાયરોલોજી લેબમાંથી ન આવ્યો અને ગાંધીનગર સ્થિર સી.એમ. બંગલોમાંથી આવ્યો હોય એવી તેમની હરકતો છે. એક મિત્રએ લખ્યું કે, વિરોધીઓ તો એવી રીતે તૂટી પડયા છે- જાણે કોરોના કંઈ ચામાચિડિયામાંથી નહીં પણ કમળનાં ફુલમાંથી પેદા થયો હોય!
- Advertisement -
– કિન્નર આચાર્ય
લાગે છે, કેટલાંક લોકોએ કોરોના સંક્રમણ વધે તે માટે માનતાઓ માની છે, જેથી એ બહાને તમને વધુ ને વધુ ભાંડી શકાય. ગુજરાતની સ્થિતિ જાણે અપવાદ હોય તેમ ઘણાં લોકો રાસડાં લઈ રહ્યાં છે. આ કોઈ સરકારસર્જીત આપદા નથી. આટલી કોમન સેન્સ ક્યાંક વેંચાતી મળતી હોય તો હમણાં ખરીદીને એમને આપી આવું. આખા જગત પર આભ ફાટ્યું છે. કમનસીબે માણસજાત પાસે એવડી સોઈ અને એટલાં દોરાં નથી કે આસમાન સાંધી શકે. શું આપની પાસે એટલી સામાન્ય સમજ નથી કે, દુનિયાની ભલભલી મહાસત્તાઓ પણ આ મહામારી સામે લાચાર પુરવાર થઈ છે! જગતનું સર્વોત્તમ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા દેશો પણ આ મહામારી સામે લાચાર અને હતપ્રભ છે.
વિશ્ર્વની સર્વોત્તમ સ્વાસ્થ્ય- સારવાર વ્યવસ્થા ધરાવતું બ્રિટન ત્રણ-ત્રણ મહિનાનાં લૉકડાઉનમાંથી હજુ હમણાં બહાર આવ્યું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે જ્યાંની માળખાગત સુવિધાઓનાં ડંકા વાગે છે એ સ્પેન, નેધરલેન્ડ, જર્મની અને સ્વીડન પણ કોરોનાની જીવલેણ થપાટો ખાઈ ચૂક્યા છે. જેને આપણે જગતની મહાસત્તા માનીએ છીએ તે અમેરિકાએ પ્રતિદિન બે લાખ કેસનો આંકડો પણ જોયો છે. યુરોપનાં સુખી-સંપન્ન, માળખાગત સુવિધાઓથી છલોછલ દેશોમાં પણ લોકો રસ્તા પર દમ તોડી રહ્યાં હોય તેવાં વિઝ્યુઅલ્સ આપણે નિહાળી ચૂક્યાં છીએ. ઈટલીમાં તો કબ્રસ્તાન ખૂટી પડ્યા હતા અને ડોકટર્સ પાસે બે જ ચોઈસ હતી: યુવાઓને બચાવવા કે સિનિયર સિટિઝન્સને. આવી દારૂણ સ્થિતિ સદનસીબે આપણે હજુ જોઈ નથી.
- Advertisement -
દુનિયા આખીનાં મોટાભાગનાં દેશો હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓની અછતમાંથી પસાર થઈ ચૂક્યા છે અથવા થઈ રહ્યાં છે. ગુજરાતમાં કશું એવું ભયાનક બની રહ્યું નથી- જે બીજે ન બન્યું હોય. બેશક, સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. પરંતુ એ માટે કોઈ શાસક, સરકાર કે પ્રજાને દોષ આપી શકાય તેમ નથી. તમારા નેતૃત્વમાં સરકારે શક્ય એટલાં પ્રયત્નો કર્યા છે, હજુ અવિરત અને અથાક કરી રહ્યાં છો. પણ, આ સ્થિતિ આપણાં હાથમાં નથી. આ આપદાથી આપણે કોઈ પરિચિત નથી, ટેવાયેલા નથી. આ કોઈ અતિવૃષ્ટિ કે દુષ્કાળ નથી. જેની આપણને આદત હોય. એક નવી આફત છે, વિકરાળ, રૌદ્ર અને જીવલેણ છે. તેનો પ્રતિકાર તો ત્યારે થાય જ્યારે આપણે બધાં સ્તબ્ધ મટીને સ્વસ્થ થઈએ, સ્થિતિને સમજીએ.
વાઇરસ આગોતરી જાણ કરી ને કે ખત-ખબર લખી ને નથી આવ્યો, બીજી તરફ એની સાયકલ જગતનો કોઈ વૈજ્ઞાનિક પારખી શક્યો નથી. આ વાઇરસ વિશે આપણે જેટલું જાણીએ છીએ તેનાંથી અનેકગણી વાતો તેનાં વિશેની હજુ રહસ્ય છે
લાગે છે, કેટલાંક લોકોએ કોરોના સંક્રમણ વધે તે માટે માનતાઓ માની છે, જેથી એ બહાને તમને વધુ ને વધુ ભાંડી શકાય. ગુજરાતની સ્થિતિ જાણે અપવાદ હોય તેમ ઘણાં લોકો રાસડાં લઈ રહ્યાં છે, આ કોઈ સરકારસર્જીત આપદા નથી… આટલી કોમન સેન્સ ક્યાંક વેંચાતી મળતી હોય તો હમણાં ખરીદીને એમને આપી આવું
જગત આખાનાં સાયન્ટિસ્ટ્સ, ડોક્ટર્સ, શાસકો આ મહા કોયડાને ઉકેલવા ગોથા ખાઈ રહ્યા છે, લૉકડાઉન કે અનલોક કે કરફ્યૂ કે બધું મુક્ત… શું સૌથી બહેતર અને સૌથી અસરકારક છે, એ અંગે કોઈ જ છાતી ઠોકી ને દાવો કરી શકે એમ નથી
વિજયભાઈ, હું પણ જાણું છું કે, આ સહેલું નથી. કાળોતરો વાઈરસ રોજ સવાર પડે ને લખ્ખણ બદલી રહ્યો છે. આપણે ઊંદરડાં પકડવા પિંજરું ગોઠવીએ તો એ સસલું બનીને આવે છે અને સસલાનાં કદનું પાંજરૂ રાખીએ તો એ નાગ બની ફુંફાડા મારે છે. આસાન નથી. જ્યાં આજથી એક વર્ષ પહેલાં એન-95 માસ્ક કે પી.પી.ઈ. કિટ પણ બનતી નહોતી અને નેવું ટકા પ્રજાએ વેન્ટિલેટરનું નામ પણ સાંભળ્યું નહોતું- ત્યાં રાતોરાત હજારો બેડ, ઓક્સિજનવાળા બેડ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી- એ કેટલું કપરૂં કામ છે- એ સામાન્ય તથ્ય સમજવા આઈન્સ્ટાઈન કે ન્યૂટન જેવાં જિનિયસ દિમાગની જરૂર નથી.
સો-બસ્સો વર્ષે આવી ભીષણ આપદા, આવી મહાવ્યાધિ આવે છે. આ વાઇરસ ઝડપથી ફેલાય છે, દર્દીને ઝાઝી તકલીફો આપે છે, વધુ જીવલેણ છે. તેને આપણો રિસ્પોન્સ પણ એકદમ સ્પેશિયલ હોવો જોઈએ. અને એ માટે તૈયારીઓ જોઈએ. વાઇરસ આગોતરી જાણ કરી ને કે ખત-ખબર લખી ને નથી આવ્યો. બીજી તરફ એની સાયકલ જગતનો કોઈ વૈજ્ઞાનિક પારખી શક્યો નથી. આ વાઇરસ વિશે આપણે જેટલું જાણીએ છીએ તેનાંથી અનેકગણી વાતો તેનાં વિશેની હજુ રહસ્ય છે. જગત આખાનાં સાયન્ટિસ્ટ્સ, ડોક્ટર્સ, શાસકો આ મહા કોયડાને ઉકેલવા ગોથા ખાઈ રહ્યા છે. લૉકડાઉન કે અનલોક કે કરફ્યૂ કે બધું મુક્ત… શું સૌથી બહેતર અને સૌથી અસરકારક છે, એ અંગે કોઈ જ છાતી ઠોકી ને દાવો કરી શકે એમ નથી.
ગુજરાતમાં ગયા વર્ષે કેટલીક ભૂતાવળોએ એવું ધુપ્પલ ચલાવ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લીધે ગુજરાતમાં કોરોના ફેલાયો. વાસ્તવિકતા એ છે કે, ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો અને એ ભાઈ ઉમરા કરવા ગયા હતા, સાઉદીથી વાઇરસ લાવ્યા હતા! આ વર્ષે હવે ઇલેક્શનનાં નામે આ બધાએ ઉપાડો લીધો છે. સત્ય એ છે કે, જ્યાં ચૂંટણીઓ નહોતી એવા મહારાષ્ટ્રમાં રોજ 55 હજાર કરતા વધુ કેઇસ નોંધાઇ રહ્યા છે અને ઇલેક્શન નહીં હોવા છતાં દોઢ કરોડની વસ્તી ધરાવતા દિલ્હીમાં રોજ સાત હજાર કેઇસ આવી રહ્યા છે. અગત્યની વાત: ચૂંટણીઓ પણ ગુજરાતમાં કોર્ટના નિર્દેશથી જ યોજાઈ હતી. નિશ્ચિત તારીખ પહેલા ઇલેક્શન યોજવા કોર્ટે જ ડેડલાઈન આપી હતી. પણ, મેં કહ્યું એમ, આ ગિધ પ્રજાતિનું નિશાન કોરોના નથી, તમે છો. તેઓ આડકતરી રીતે કહે છે કે, દરેક હોસ્પિટલની અને કેમિસ્ટ શોપની બહાર ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રેમડેસિવિરનો થડો લગાવી ને બેસે, તેઓ ઈચ્છે છે કે, ઘેર-ઘેર જઈ ને તમે જાતે એન્ટિજન ટેસ્ટ કરો, બધાંને વેક્સિન આપો અને ઘરદીઠ વેન્ટિલેટર પહોંચાડો.
લાશો ભાળી ને ગિધડાં હવે આકાશમાં ચકરાવા લઇ રહ્યા છે. મહારાષ્ટ્રની ભયાવહ સ્થિતિ વિશે બે લીટી કહેતા જેમનાં મોતિયા મરી જાય છે એવા તકલાદી અને તકવાદી શૂરવીરો ગુજરાતની વાત આવે ત્યાં સાવજ બની જાય છે. સગવડિયા ધર્મની જેમ હવે સગવડિયું શૌર્ય પણ ઇન-થિંગ છે. રોજ એક પ્રજાતિ કકળાટ કરે છે કે, “રેમડેસિવિર નથી… રેમડેસિવિર નથી…” આ ઇન્જેક્શનનો કુંભ શું દેવ-દાનવોએ કરેલા સમુદ્રમંથનમાંથી નીકળ્યો હતો? હાઇકોર્ટે કરેલી ઘણી વાતો હસી કાઢીએ તો પણ એ વાત તો સાચી જ છે કે, રેમડેસિવિર કોઈ અમૃત નથી, બધાં પેશન્ટ માટે એ જરૂરી નથી અને જેમને જરૂર નથી એવા લોકો એ લે તો નુકસાન થાય છે. બધી બાબતોએ સરકારને ભાંડતી પોસ્ટ્સ અને લેખો લખતા લોકો આ તથ્ય અંગે કેમ કશું લખતાં નથી? વિચારવા જેવું છે.
દુનિયા આખીનાં મોટાભાગનાં દેશો હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓની અછતમાંથી પસાર થઈ ચૂક્યા છે અથવા થઈ રહ્યાં છે, ગુજરાતમાં કશું એવું ભયાનક બની રહ્યું નથી- જે બીજે ન બન્યું હોય. બેશક, સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. પરંતુ એ માટે કોઈ શાસક, સરકાર કે પ્રજાને દોષ આપી શકાય તેમ નથી
હું એવું હરગીઝ નથી કહેતો કે, ચોતરફ બધું ગુલાબી ગુલાબી છે અને લોકોને કોઈ તકલીફ નથી. એવું પણ નથી કહેવું કે, શાસકોથી કોઈ ભૂલ થઈ જ નથી. બ્યુરોક્રસીમાં ગોખણપટ્ટીથી ઘુસી ગયેલા ઉપલાં માળ વગરનાં કેટલાક અધિકારીઓએ પણ બહુ ભાંગરા વાટયા છે. પણ, તમારા નેતૃત્વમાં અનુભવે આ ભૂલો સુધારવામાં પણ આવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ અપાઈ કે થોડાં દિવસોમાં જ હોસ્પિટલો દ્વારા બેફામ લૂંટની ફરિયાદો આવી. તમે રૂમથી લઇ ને આઈ.સી.યુ. સુધીનાં પ્રતિદિન પેકેજનું ભાવ બાંધણું કર્યું, બેડ ઘટ્યા તો રાતોરાત નવી હોસ્પિટલો ઉભી કરી, રેમડેસિવિરનાં વિતરણમાં જ્યાં-જ્યાં છીંડા છે, ત્યાં તમે ગાબડાં પૂરતા જાઓ છો અને ડિસ્ટ્રીબ્યુશન વધુ પારદર્શક બનાવતા જાઓ છો. ઓક્સિજનની અછત જલ્દી દુર થાય એ માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે, રસિકરણમાં આજે ગુજરાત દેશમાં ટોચનાં ત્રણ રાજ્યોમાં સામેલ છે. ધન્વંતરિ રથનાં યુનિક આઈડિયાની પ્રશંસા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ ચૂકી છે. અત્યારે પણ નવા બેડ, નવી હોસ્પિટલો, નવા કામચલાઉ કોવિડ સેન્ટર્સ તમે ઉભા કરી રહ્યા છો. આટઆટલું થઈ રહ્યું છે ત્યારે સમજવું રહ્યું કે, આ વ્યાધિ-ઉપાધિ બહુ વિકરાળ છે. તેને નાથવાનું સરળ નથી.
જગત આખું સ્તબ્ધ અને જખ્મી છે. હાલ હયાત હોય એવી એકપણ પેઢીનાં કોઈ જ લોકોએ આવું સંકટ અગાઉ જોયું નથી. દુનિયાની મેડિકલ સિસ્ટમ ઘ્વસ્ત છે, ઇકોનોમી ઠપ્પ. કહેવાય છે કે, ભુખ્યાજનોની સંખ્યા આ મહામારીને લીધે 70 કરોડથી વધી એક અબજ લગી પહોંચી ચૂકી છે, સ્મોલ બિઝનેસ ખતમ થવા લાગ્યા છે અને મહાકાય ઉદ્યોગોમાં શ્રમ માટે માનવ કલાકો પર્યાપ્ત મળતા નથી. આપણે આ પૃથ્વી પર જ રહીએ છીએ, ગુજરાત કોઈ અલગ ગ્રહ કે નોખું બ્રહ્માંડ નથી. વત્તાઓછા અંશે આ બધાની અસર આપણને પણ થવાની. આવનારા દિવસો કદાચ બહેતર હોય અને હાલનાં કરતા બદતર પણ હોઈ શકે.
વિજયભાઈ, આ સ્થિતિને બહેતર બનાવવા, આ સંકટમાંથી ગુજરાતને બહાર કાઢવા યથાશક્તિ, યથાસંભવ કાર્યો કર્યે જાઓ, એવી એક સામાન્યજન તરીકે અપીલ છે. બોલનારા બોલવાનાં જ છે. તમે લૉકડાઉન આપશો તો કહેશે કે, “ટંકે ટંકનું ખાનારનું શું થશે?” લૉકડાઉન નહીં આપો તો કહેશે, “સરકારને ધંધા-ઉદ્યોગની ફિકર છે, માનવ જિંદગીની નથી!” તમે વચલો રસ્તો કાઢી નાઈટ કરફ્યૂ આપશો તો લઘરાઓ ખીખિયાટા કરતા કહેશે કે, “કોરોના માત્ર રાત્રે જ નીકળે છે!” માની લો કે, તમે કોઈ જાદુઈ છડી વડે કોરોના ગાયબ કરી દેશો તો આ લોકો છાતી ફૂટી ને રુદાલી જેવું હૈયાફાટ રુદન કરશે અને કહેશે, “મહામારી હતી તો કેટલી હોસ્પિટલો અને તેનો સ્ટાફ નભતો હતો, લેબોરેટરી, કેમિસ્ટ્સ, ફ્રુટવાળાનાં ધંધા બંબાટ દોડતા હતા, બાળકોને ઘેરબેઠા ભણવાની લક્ઝરી હતી અને પરિવારો સહજપણે રાત્રે એકઠાં થતા… વિજયભાઈએ આ બધું છીનવી લીધું!”
બોલવા દો. એટેન્શન સિકિંગ એક મનોરોગ છે. ક્રિકેટનાં ચાલું મેચે ભરચક સ્ટેડિયમ વચ્ચે ગ્રાઉન્ડમાં નિર્વસ્ત્ર થઈ ને હડી મૂકતા લોકો વાસ્તવમાં સ્ટ્રીકર હોય છે, એમનું ધ્યેય ઉટપટાંગ હરકતો થકી લોકોનું ધ્યાન ખેંચવાનું હોય છે. હું મોટો પંડિત નથી. પણ, એટલું સમજુ છું કે, સરકાર કે શાસક કામ ન કરતા હોય ત્યારે તેની આકરી ટીકા થવી જોઈએ. પણ, શાસક અને તંત્ર જ્યારે સદીઓમાં એકાદ વખત જ આવે તેવા કુદરતી મહા સંકટ સામે ઝઝૂમતાં હોય ત્યારે એનો દાવ લેવામાં કોઈ જ બહાદુરી નથી. સમજદારી પણ નથી. આવા વાંકદેખાઓને એમનું કામ કરવા દો. આપ આપની વિશિષ્ટ શૈલીમાં અર્ધી પિચે આવી ફટકાબાજી કરતા રહો. અગાઉ ગુજરાતને ક્યારેય આપની દુરંદેશી, વિઝન, પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતાની જેટલી જરૂર નહોતી, એટલી આજે છે. ભૂતકાળની તમામ કસોટીઓ તમે જેમ ડિસ્ટીંક્શન સાથે પાસ કરી તેમ આ પણ કરશો તેવી શ્રદ્ધા પણ છે અને શુભેચ્છાઓ પણ હોય જ.
-કિન્નર આચાર્ય (ગોદી મીડિયા)