98 વર્ષ બાદ પહેલીવાર ભારતમાં ચેસ ઓલિમ્પિયાડનું આયોજન: ચીન-રશિયાના ખેલાડીઓ ગેરહાજર હોવાથી ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક
ભારતના ચેસ કેપિટલ શહેર તમીલનાડુમાં 28 જૂલા,થી રમાનારી 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે દુનિયાભરના ખેલાડીઓ ભારતના મહેમાન બનશે. આ વૈશ્ર્વિક ચેસ ટૂર્નામેન્ટ તમીલનાડુના મામલાપુરમમાં રમાશે. તમીલનાડુની સ્પોર્ટસ ઓથોરિટીના સચિવ કે.પી.કાર્તિકેયને કહ્યું કે ચીન ઓલિમ્પિયાડમાં ભાગ લઈ રહ્યું નથી અને રશિયાને ન તો મેજબાની કરવાની અને ન તો ભાગ લેવાની પરવાનગી છે
- Advertisement -
આવામાં ભારત પાસે ગોલ્ડ મેડલ જીતવાનો સુવર્ણ અવસર છે. આ બે દિગ્ગજોની ગેરહાજરીમાં ભારત મેડલ જીતી શકે છે. ઓપનિંગ સેક્શનના ખેલાડી દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ છે જેઓ મેડલ અપાવવા માટે સક્ષમ છે. પહેલીવાર આંતરરાષ્ટ્રીય ચેસ બૉડી ફીડેએ ઓલિમ્પિકની તર્જ પર ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલે શરૂ કરી છે. ઓલિમ્પિયાડમાં 187 દેશોના 343 ટીમો ભાગ લેશે જેમાં 2500 જેટલા ખેલાડીઓ ભાગ લેવાની શક્યતા છે જેમાં ખેલાડી, કોચ અને આંતરરાષ્ટ્રીય મીડિયા સામેલ છે. ભારતીય ટીમમાં 25 ખેલાડીઓ સામેલ છે.
તમીલનાડુ સરકારે ટૂર્નામેન્ટના આયોજન માટે 92.13 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તમીલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે આ પ્રકારના આયોજનની મેજબાની કરવી તમીલનાડુ માટે વાસ્તવમાં ગર્વની વાત છે કેમ કે ચેન્નાઈ ચેસનું જન્મસ્થળ છે. તેમણે કહ્યું કે અમારા અધિકારી આ આયોજનને સફળ બનાવવા માટે ઘણો પ્રયાસ કરી રહ્યા છે. આ ગેમ્સનું મસ્કટ થમ્પી છે જે તમીલ ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે નાનો ભાઈ. આ એક ઘોડો છે જે પારંપરિક તમીલ વેસ્ટી (ધોતી) અને શર્ટ પહેરીને હાથ જોડીને ઉભેલો હોય છે.
આ શુભંકર તમીલ અભિવાદન વણક્કમને દર્શાવે છે જેનો અર્થ ‘તમારું સ્વાગત’ છે તેવો થાય છે. ઘોડાને શુભંકર બનાવવાનું કારણ એ છે કે ચેસના બોર્ડ પર ઘોડો એકમાત્ર એવું મ્હોરું છે જેનો ચહેરો છે. અત્યાર સુધીમાં આ ટૂર્નામેન્ટ માટે 36 હોટેલોમાં બુકિંગ થઈ ચૂક્યું છે. છ ભાષાઓ માટે ટ્રાન્સલેટરની વ્યવસ્થા કરાઈ છે. હજુ પણ મહામારીનો ડર હોવાથી હોટેલોને સેનેટાઈઝ કરવા માટે કહેવાયું છે. અનેક વિસ્તારોમાં સીસીટીવી અને વોચ ટાવર લગાવાયા છે.
- Advertisement -
ભારતીય ચેસ ખેલાડીઓ
પુરુષ ટીમ: વિદિત ગુજરાતી, હરિકૃષ્ણા, અર્જુન એરિગૈસી, નારાયણન, શશીકરણ, નિહાલ સરીન, ગુકેશ, અધિબાન, પ્રાગનનંદા, રોનક
મહિલા ટીમ: હંપી, હરિકા, વૈશાલી, તાનીયા સચદેવ, ભક્તિ કુલકર્ણી, વંદિતા, સૌમ્યા, ગોમ્સ મૈરી એન, પદ્મીની રાઉત, દિવ્યા દેશમુખ
(વિશ્વનાથ આનંદ ટીમના મેન્ટર રહેશે)