ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે 13 ઓગસ્ટના રોજ વિશ્વ વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ભાગ લીધો હતો, જ્યાં તેમને ભારતીય વરુના સંરક્ષણ અને મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા. 1863માં નવાબ મોહબત ખાન બાબી-2 દ્વારા સ્થાપિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ભારતના સૌથી જૂના ઝૂ પૈકીનું એક છે. 84 હેક્ટર (210 એકર)માં ફેલાયેલું આ ઝૂ, એશિયાઈ સિંહ, ભારતીય વરુ, ચૌસિંગા, ઘુડખર, ચિંકારા અને ગીધ જેવી ગંભીર રીતે જોખમમાં રહેલી પ્રજાતિઓના સંવર્ધન કાર્યક્રમો માટે જાણીતું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા સી.ઝેડ.એ.ની માન્યતા મળ્યા બાદ, એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જયપુર, જોધપુર અને મૈસુર ઝૂમાંથી કુલ 9 વરુ મેળવવામાં આવ્યા હતા. આ સંવર્ધન કાર્યક્રમની સફળતા બાદ, હાલમાં અહીં 100થી વધુ ભારતીય વરુ રાખવામાં આવ્યા છે. સક્કરબાગ ઝૂમાંથી બનાસકાંઠા ડિવિઝન, આંબરડી સફારી પાર્ક, દેવળિયા સફારી પાર્ક અને ધ્રાંગધ્રા ખાતે પણ વરુ મોકલવામાં આવ્યા છે. વિશ્વ વરુ દિવસ નિમિત્તે બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓને વરુના સંવર્ધન કેન્દ્રની મુલાકાત કરાવવામાં આવી હતી. વન અધિકારીઓ અને બાયોલોજિસ્ટ્સ દ્વારા વરુના સંરક્ષણ, તેમના મહત્વ અને ઇકોસિસ્ટમમાં તેમની ભૂમિકા વિશે નિષ્ણાત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વરુના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવા માટે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સક્કરબાગ ઝૂમાં વિશ્ર્વ વરુ દિવસની ઉજવણી: વિદ્યાર્થીઓને વરુ સંરક્ષણ વિશે માહિતગાર કરાયા
