રાજકોટની ખાનગી યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજરી આપવા માટે આવતા હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
47 વર્ષના લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતીય મહિલા ટીમ 2 નવેમ્બરે વન-ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનતાં જ દેશવાસીઓની ખુશીનો પાર રહ્યો ન્હોતો. ખાસ કરીને ક્રિકેટ સહિતની રમતમાં કારકીર્દિ બનાવવા માટે મહિલાઓ અને યુવતીઓને આ જીતે ખૂબ જ પ્રેરિત કરી હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ નાની બાળકીથી લઈ યુવતીઓ ક્રિકેટમાં આગળ વધવા માટે મહેનત કરી રહી છે ત્યારે ભારત ચેમ્પિયન બન્યા બાદ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમીના રોડ્રિગ્સ સહિતની ખેલાડી તેમની આઈડલ બની ચૂકી છે ત્યારે આગામી 22 નવેમ્બરને શનિવારે વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર રાજકોટ આવી રહ્યાનું જાણવા મળ્યું છે. શનિવારે શહેરની એક ખાનગી યુનિવર્સિટી દ્વારા કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાજરી આપવા માટે હરમનપ્રીત રાજકોટની મહેમાન બનશે. આ કાર્યક્રમને અંતિમ ઓપ આપવા માટે યુનિવર્સિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત અન્ય દિગ્ગજો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બીજી બાજુ હરમનપ્રીત કૌર રાજકોટ આવી રહ્યાનું ધ્યાન પર આવતા જ તેના ચાહકો એક ઝલક મેળવવા માટે આતૂર બન્યા છે ત્યારે હરમનપ્રીત માટે રાજકોટની મુલાકાત યાદગાર બની રહેશે તે નિશ્ચિત છે.



