19, નવેમ્બર એટલે ‘વિશ્વ શૌચાલય દિવસ’
વ્યક્તિગત શૌચાલય યોજનાનો લાભ લેવા માટે નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે. ગામડા દેશની કરોડરજ્જુ સમાન છે. જો ગામડા સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનશે તો આપણો દેશ પણ સ્વચ્છ-સમૃદ્ધ બનશે. તેને અનુલક્ષીને ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ અભિયાન થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં અંદાજે કુલ 68.70 લાખ કરતાં વધુ શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે.
- Advertisement -
હર ઘર શૌચાલયનું સપનું સાકાર
ગામમાં ઘરે ઘરે શૌચાલયનાં નિર્માણ કરવા, ઘન અને પ્રવાહી કચરાનો તેમજ સૂકો-ભીનો કચરો અલગ કરી તેના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યના 13,000 કરતાં વધુ ગામડાઓને ઓડીએફ પ્લસ મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યા છે.
2014 માં મિશન શરુ કરાયું હતું
- Advertisement -
મહાત્મા ગાંધી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા. જેથી ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરાવી હતી. ગુજરાતમાં આ મિશનની સફળતા અને જનભાગીદારીના પરિણામે ગાંધીજીની જન્મજયંતિ એટલે કે તારીખ 2 ઓક્ટોબર, 2019ના રોજ ગુજરાતને ખુલ્લામાં શૌચ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.
ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં ગુજરાતમાં સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ ફેઝ-2 અંતર્ગત ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન દ્વારા વિવિધ પ્રકારના અસ્કયામતો જેવા કે, વ્યક્તિગત શૌચાલય, વ્યક્તિગત સોકપીટ, સેગ્રીગેશન શેડ, સામૂહિક કમ્પોસ્ટ પીટ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ, સામૂહિક સોકપીટની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ મિશન થકી ગોબર ધન પ્રોજેકટ હેઠળ સૂકો-ભીનો કચરો અને બાયોડિગ્રેડેબલ વેસ્ટને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામીણ વિસ્તારોમાં વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય તથા સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા રોજગારીની તકો ઊભી થઇ રહી છે.
આ મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલય પ્રોત્સાહન રકમ મળવાથી તેમજ જીવનમાં પરિવર્તન આવવાથી નાગરિકોમાં ખૂબ જાગૃતિ આવી છે. વધુમાં, રાજ્ય સરકાર દ્વારા પારદર્શિતા સાથે પ્રોત્સાહન રકમને છેવાડાના માનવી સુધી પહોંચાડીને નાગરિકોમાં જૂના રીતિ રિવાજ, પરંપરા તેમજ ખોટી માન્યતાઓને પણ તિલાંજલી આપી સ્વચ્છતા પ્રત્યે વધુ લોક જાગૃતિ કેળવવામાં આવી રહી છે.
શૌચાલય માટે અરજી કરવાની પદ્ધતિ
વ્યક્તિગત શૌચાલય યોજનાનો લાભ લેવા માટે નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહે છે. અરજી કર્યા બાદ ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ દ્વારા લાભ લેવા ઈચ્છતા લાભાર્થીને ત્યાં સ્થળ ખરાઈ કરીને અરજી મંજુર કે નામંજુર કરવામાં આવે છે. ત્યારબાદ લાભાર્થીને વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ શરૂ કરવા માટે જાણ કરવામાં આવે છે. બાંધકામ પૂર્ણ થયા બાદ ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના’માંથી લાભાર્થીને રૂપિયા 12,000 ની આર્થિક પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલય ખૂબ જરૂરી છે. વડીલો, મહિલાઓ અને નાના બાળકો સહિત નાગરિકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે, ત્યારે માનવમળના કારણે રોગચાળો થવાની સંભાવના રહે છે. જેથી નાગરિકોનું આરોગ્ય જોખમાય છે. આ ઉપરાંત ગરમી, ઠંડી, વરસાદ જેવી વિવિધ ઋતુઓમાં ખુલ્લામાં શૌચક્રિયા કરવાથી જીવજંતુ કરડવાનો પણ ભય રહેતો હોય છે. જેથી રોગોથી બચવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દરેક ઘરમાં શૌચાલય બને તે માટેની જાગૃતિ લાવવા દર વર્ષે યુનાઈટેડ નેશન્સ દ્વારા તારીખ 19, નવેમ્બરના રોજ ‘વિશ્વ શૌચાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ‘બદલાતી દુનિયામાં સ્વચ્છતા’ની થીમ સાથે ‘વિશ્વ શૌચાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.




