ખાસ-ખબર સંવાદદાતા
શ્રીલંકાએ ધમાકેદાર દેખાવ સાથે યુએઈને 175 રનથી સજ્જડ પરાજય આપતાં આઇસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શુભારંભ કર્યો હતો. હસારંગાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં 12 બોલમાં અણનમ 23 રન ફટકાર્યા બાદ 24 રનમાં છ વિકેટ ઝડપીને ખળભળાટ મચાવ્યો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. શ્રીલંકાએ છ વિકેટે 355નો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં યુએઈ 180માં ઓલઆઉટ થયું હતુ.
યુએઈએ ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગમાં ઉતાર્યું હતુ. નિસાંકા (57) અને કરૃણારત્ને (52)ની જોડીએ 95 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. જે પછી બંને ઓપનરો 138ના સ્કોરે પેવેલિયનમાં પાછા ફર્યા હતા. કુસલ મેન્ડિસ (78) અને સમરવિક્રમા (73)ની જોડીએ 79 બોલમાં 105 રનની ભાગીદારી કરી હતી.
- Advertisement -
અસાલન્કા અને હસારંગાએ સાતમી વિકેટમાં અણનમ 58 રન માત્ર 22 બોલમાં જોડયા હતા. અલી નાસરે બે વિકેટ ઝડપી હતી. યુએઈ 39 ઓવરમાં માત્ર 180માં ખખડયું હતુ. કેપ્ટન વસીમે 39 અને વિકેટકિપર અરવિંદે 39-39 રન કર્યા હતા. હસારંગાએ 8 ઓવરમાં 24 રન આપતાં 6 વિકેટ મેળવી હતી.