કાર્યકરોની વર્ષોની કમાણી સહારામાં ફસાઈ હોવાનો આક્ષેપ: ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
છેલ્લા બાર વર્ષથી પેમેન્ટને લઈને રાજકોટના સહારા ઈન્ડિયા પરિવારના કાર્યકરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કાર્યકરોએ આ અંગે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને પોતાના પ્રશ્ર્નો રજૂ કરતાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી તેમની પાકતી મુદતનું પેમેન્ટ મળતું નથી. વર્ષોની કમાણી સહારામાં ફસાઈ જતાં જમાકર્તાઓની હાલત કફોડી બની છે.
વધુમાં સહારા ઈન્ડિયા પરિવારના કાર્યકરોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સીઆરસીએસ સહારા રીફંડ પોર્ટલ ખોલવામાં આવેલું છે. તા. 18-7-2023 લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં 45 દિવસમાં આપના ખાતામાં રૂપિયા 10,000 જમા થશે અને બાકીની રકમ વ્યાજ સહિત 9 મહિનામાં એકાઉન્ટમાં જમા થઈ જશે જેમાં આજ 9 મહિના જેવો સમય થવા જઈ રહ્યો છે છતાં પણ અમારા સન્માનિત જમાકર્તાના ખાતામાં એક પણ રૂપિયો આવ્યો નથી. વર્ષોની કમાણી સહારામાં ફસાઈ જતાં જમાકર્તાઓની હાલત ખૂબ જ કફોડી તથા દયનીય બની ગઈ છે. હક્કના જે પૈસા છે તે પરત અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગનો રસ્તો અપનાવવો પડે તેવી ચિમકી ઉચ્ચારી છે.
વધુમાં કંપની તરફથી એજન્ટ અને જમાકર્તાની સાથે બહુ જ મોટી છેતરપિંડી કરવામાં આવી છે. જમાકર્તા અમને ધમકી આપે છે અને પૈસાની માગણી અમારી પાસે કરે છે જમાકર્તા એમ કહે છે કે તુ અમને પૈસા આપી દે, કંપનીને અમે નથી ઓળખતા અને અમારે ઘેર આવીને ઝગડા કરે છે અને અમારા પરિવારની જાન જોખમમાં છે અને અમારી સાથે કોઈ અઘટિત ઘટના બની જશે તો તેના જવાબદાર કોણ? આમ સહારાના કાર્યકરો મહેન્દ્રભાઈ રતીભાઈ મારૂ, અઘારા રાજેશભાઈ પ્રેમજીભાઈ, ચંદ્રકાંતભાઈ ગોરધનદાસ રાજપરા, અરવિંદભાઈ ખીમજીભાઈ દોમડીયા, ચંદુભાઈ લખમણભાઈ કથીરીયા અને ગિરીશભાઈ જાદવભાઈ પાનસુરીયાએ કલેકટરને રજૂઆત કરી ઘટતું કરવા માંગ કરી છે.