GTPCLને સોંપાયું આયોજન: રોડ-રિંગ રોડ નેટવર્ક, ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન ઝોન અને તમામ માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
મોરબી મહાનગરપાલિકા અને મોરબી-વાંકાનેર શહેર વિકાસ સત્તામંડળ (ખઞઉઅ) દ્વારા શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને પ્રાધાન્ય આપીને નવી વિકાસ યોજના (New Development Plan) તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્ય ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ GTPCL) ને સોંપવામાં આવ્યું છે.
- Advertisement -
મોરબીની વધતી વસ્તી, વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આગામી 20 વર્ષ માટેનું સુવ્યવસ્થિત વિકાસ આયોજન તૈયાર કરાશે. આ યોજના શહેરના લાંબા ગાળાના વિકાસ માટેનું મહત્વપૂર્ણ વિઝન ડોક્યુમેન્ટ બની રહેશે. આ વિકાસ યોજનામાં રોડ નેટવર્ક, રિંગ રોડ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ સુવિધા, જાહેર પરિવહન, ગ્રીન ઝોન, ગાર્ડન, ખેલ મેદાન, રહેણાંક, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ઝોન ઉપરાંત પાણી પુરવઠો, ડ્રેનેજ, આરોગ્ય અને શિક્ષણ જેવી આવશ્યક સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ આયોજનના અમલથી મોરબી શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના થશે અને ભવિષ્યની જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ બની શકશે. યોજના જાહેર થયા બાદ બાંધકામ અને શહેરી વિકાસની પ્રક્રિયા વધુ ઝડપથી અને નિયમિત રીતે આગળ વધશે, જેથી નાગરિકોને સેવાઓ સરળતાથી મળી રહે.



