‘જીને કી લલકને લડના શિખાયા ઔર લડને કી ધૂનને જીને કા સંગીત’
છત્રીના છાંયડે બેસીને સીલાઈ કામ કરી દરરોજના 300 રૂપિયાની કમાણી કરતાં જશુબેન દાફડા
- Advertisement -
8 માર્ચ સમગ્ર વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ સ્ત્રીશક્તિ, તેમના સંઘર્ષ અને પ્રેરણાને સન્માન આપવાનો છે. મહિલાઓ સમાજનો મજબૂત સ્તંભ છે જે માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વનું પણ સંચાલન કરી રહી છે. કલા, રમતગમત, વ્યવસાય, વિજ્ઞાન કે ટેકનોલોજી, દરેક જગ્યાઓ પર મહિલાઓએ પોતાના પ્રયાસ અને સફળતાથી સીમાઓ તોડી છે.
એક સમયે અબળા ગણાતી નારી હવે સબળા બની છે. દરેક ક્ષેત્રે આગળ વધી છે. પરિવારને હંમેશા સહયોગ આપતી અને તમામ રીતે મદદરૂપ થતી નારીઓ ખરેખર ધન્યને પાત્ર છે ત્યારે આજે આપણે વાત કરીશું જશુબેન દાફડાની કે જેઓ સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ એક છત્રીના છાંયડામાં સીલાઈ મશીનનું કામ કરી પોતાના પતિને મદદરૂપ થઈ રહ્યા છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસુ, આ જશુબેન રસ્તા પર એક છત્રીના છાંયડા હેઠળ બેસીને નાનું-મોટું સીલાઈનું કામ કરી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે. જશુબેનને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્રણેય બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે. જશુબેન દરરોજ સવારથી સાંજ સુધી અહીં સીલાઈ મશીનનું કામ કરે છે અને દરરોજના 250થી 300 રૂપિયાની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આમ આવી અનેકો મહિલાઓ હશે કે જે ભણેલી નથી છતાં પણ વટથી નાનું મોટું કામ કરી પોતાના પતિને મદદરૂપ થાય છે અને બાળકોને શિક્ષણ અપાવે છે. ત્યારે ખરેખર ધન્ય છે આવી જનેતાને કે દિવસ-રાત જોયા વગર કામ કરી પોતાની મા અને પત્ની હોવાની ફરજ અદા કરે છે.