મેટરનીટી લીવ ને લઈને સુપ્રીમ કોર્ટ ની મહત્વની ટિપ્પણી, કાર્યસ્થળ પર મહિલાઓ માટેની જોગવાઈનું પાલન થતું નથી
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કાર્યસ્થળ પર નોકરી કરતી મહિલાઓને મેટરનીટી લીવ આપવાની બાબતો અંગેના એક કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે અને અદાલતે એમ કહ્યું છે કે કોઈપણ બીજા કારણો આપીને મહિલા કર્મચારીઓને માતૃત્વ અવકાશથી વંચિત રાખી શકાય નહીં.
- Advertisement -
પતિના પાછલા લગ્નથી થયેલા બે સંતાનો હોય અને મહિલા એ બેમાંથી એકની દેખભાળ કરવા માટે અગાઉ રજા લઇ લીધી છે તેવું કારણ આપીને કોઇપણ મહિલાને મેટરનીટી લીવ લેવાથી રોકી શકાય નહિ અને તેના કાયદેસરના અધિકારથી બાકાત રાખી શકાય નહીં.
અદાલતે એમ ફરમાવ્યું છે કે માતૃત્વ અવકાશ એટલે કે રજા આપવા પાછળનો મુખ્ય હેતુ મહિલાઓને કાર્યસ્થળ પર આવવા અને ત્યાં ટકી રહેવા માટે પ્રોત્સાહન આપવાનો છે પરંતુ કડવી સચ્ચાઈ એ છે કે દેશમાં કાર્યસ્થળ પર મહિલાઓ માટેની જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી.
સુપ્રીમે એમ પણ કહ્યું છે કે નિયમો અનુસાર બે થી ઓછા જીવિત બાળકો ધરાવતી મહિલા કર્મચારી મેટરનીટી લીવ લઈ શકે છે અને તેને ઇનકાર કરી શકાય નહીં કારણ કે આ મુજબ ની જોગવાઈ ઉપલબ્ધ છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી.
- Advertisement -
ચંદીગઢ ખાતે નર્સ તરીકે કામ કરતી મહિલા દ્વારા સુપ્રીમ કોર્ટમાં મેટરનીટી લીવ અંગેના વિવાદ માં અરજી કરવામાં આવી હતી અને તેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપરોક્ત મહત્વની ટિપ્પણી કરવામાં આવી હતી.