જૂનાગઢ એ.જી.સ્કુલના ગ્રાઉન્ડમાં શક્તિ મેળાના 63 સ્ટોલમાં મહિલાઓ દ્વારા વિવિધ વસ્તુઓનું વેચાણ
જૂનાગઢ શહેરના એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ ખાતે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા શક્તિ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢના સીમાબેને 9 દિવસ સ્ટોલ માટે રૂા.1800 ભરી લેડીઝ વેરાયટી માટેનો સ્ટોલ રાખી વસ્તુનું વેચાણ કરી રોજના 3 થી 4 હજાર રૂપિયાની આવક મેળવી રહ્યા છે. સીમાબેનના પતિ ડ્રાઇવીંગ કરે છે. જ્યારે સીમાબેન વિવિધ વસ્તુઓનું વેચાણ કરી કુટુંબના આર્થિક ઉપાર્જનમાં સહભાગી બને છે. શક્તિ મેળામાં લેડીઝ વેરાયટી વેચતા સીમાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, હું જેતપુર, સુરત, અમદાવાદ સહિતના શહેરોમાંથી લેડીઝ વેરાયટીની વસ્તુઓ લાવી વેચાણ કરૂ છું. તે ઉપરાંત ઘરે જ રાખડી, નવરાત્રીના ચણીયા ચોળી સહિતની વસ્તુઓ બનાવીને વેચાણ કરૂ છું. મને આ શક્તિ મેળા અંગે જાણકારી મળતા સ્ટોલ માટે 9 દિવસના રૂા.1800 ભરી લેડીઝ વેરાયટી માટે સ્ટોલ નાખ્યો છે. આ સ્ટોલ થકી રોજની રૂા. 3 થી 4 હજારની આવક થઇ રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિ ડ્રાઇવીંગ કરે છે. આથી ઘર ચલાવવું થોડું મુશ્કેલ બને છે. તેમને સાથ આપવા અને આત્મનિર્ભર બનવા માટે વિવિધ વસ્તુનું વેચાણ શરૂ કર્યું છે. આથી હું પગભર બની છું અને મારા કુટૂંબને આર્થિક રીતે મદદરૂપ બની છું. મહિલા આર્થિક વિકાસ નિગમનો આભાર માનીએ છીએ કે, આવા શક્તિ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના થકી અમારા જેવી મહિલાઓને રોજગારી મળી રહે અને પગભર બની પરિવારને મદદરૂપ બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા તા.28ના રોજ શક્તિ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે તા. 7/3/2022 સુધી કાર્યરત રહેશે. આ શક્તિ મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સખી મંડળની બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ ઉત્પાદનોની પ્રદર્શન કરવામાં આવે છે. જેની રોજના હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે.