ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોષણ પખવાડિયા 2025નો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ સૌના સહિયારા પ્રયાસ થકી જ પોષણ અભિયાન સફળ બની રહ્યું છે. સ્વસ્થ જીવનમાટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે. સગર્ભા સ્ત્રી, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
- Advertisement -
ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ’પોષણ પખવાડિયા’ની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં તા. 8 થી 22 એપ્રિલ 2025 દરમિયાન ’પોષણ પખવાડીયું 2025’ ઉજવવામાં આવશે.
આજના બાળકો આપણા વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે, તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, બાળકોને યોગ્ય પોષણ આપી તેમના સર્વાંગી વિકાસ કરવામાં આપણા પ્રયત્નો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આંગણવાડીમાં આપવામાં આવતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે. જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બનશે. તમામ પ્રકારના પોષણ મળી રહે તે પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ.
મંત્રી બાબરીયાએ આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે, રાજ્યના આંગણવાડી કાર્યકરો દ્વારા ખુબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ ભૂલકાંઓને જે રીતે પ્રેમથી જમાડે છે, ગમ્મત સાથે જ્ઞાન આપે છે તે બિરદાવા લાયક છે. આ પ્રસંગે સૌના સામૂહિક પ્રયાસથી, “સુપોષિત ગુજરાત”ના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનવા મંત્રીએ આહવાન કર્યું હતું. . ગુજરાત સરકારના આરોગ્ય, પંચાયત, કૃષિ, શહેરી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોની યોજનાઓ દ્વારા પોષણ અંગેની કામગીરી અને જાગૃત્તા થકી પોષણ અભિયાનને વધુ સફળ બનાવી શકાશે.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પોષણ પખવાડિયા દરમિયાન થનારી વિવિધ કામગીરીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે ત્યારે સુપોષિત ભારતના નિર્માણમાં ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશને પોષણયુક્ત બનાવવાનો છે.



