ભારતમાં વિડિયો ગેમ્સ રમતા લોકોમાંથી દર 5 માંથી 2 મહિલા
મહિલા વિડિઓ ગેમર્સ ભારતમાં વિડિયો ગેમિંગ ઈસ્પોર્ટ્સમાં વધુને વધુ જોડાઈ રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મહિલા વિડિઓ ગેમર્સની સંખ્યા 20 ટકાથી વધીને 41 ટકા થઈ છે. તાજેતરનાં અહેવાલો દર્શાવે છે કે મહિલા ખેલાડીઓ હવે આ ક્ષેત્રમાં સક્રિયપણે ભાગ લે છે. વેન્ચર કેપિટલ ફર્મ લુમિકાઈ દ્વારા રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ અનુસાર, ભારતનાં 60 કરોડ વિડિઓ ગેમર્સમાં મહિલાઓનો હિસ્સો 41 ટકા છે, જયારે ત્રણ વર્ષ પહેલાં દર પાંચ માંથી માત્ર એક જ ગેમર મહિલા હતી.
- Advertisement -
જો કે સ્ત્રીઓ સામાન્ય રીતે કેઝ્યુઅલ ગેમ્સ પસંદ કરે છે, તાજેતરની નિકોનો 2024 ઈન્ડિયા ગેમર માર્કેટ રિપોર્ટ દર્શાવે છે કે જેઓ પીસી ગેમ્સ સાથે જોડાવા ઈચ્છે છે તેઓ માસિક ધોરણે તેમનાં પુરૂષ સમકક્ષો કરતાં 8.5 ટકા વધુ ખર્ચ કરે છે. એક નિષ્ણાતે જણાવ્યું કે, જ્યારે તેઓ મુખ્યત્વે ફ્રી-ટુ-પ્લે કેઝ્યુઅલ અને હાયપર-કેઝ્યુઅલ ગેમ્સ સાથે સંકળાયેલી હોય છે, ત્યારે વલણો સૂચવે છે કે મહિલાઓ સમય જતાં પેઇડ ગેમ્સ તરફ આગળ વધે તેવી શક્યતા વધુ હોય છે.
તેઓ મિડ-કોર અને હાર્ડકોર શૈલીઓને પસંદ કરે છે. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, મહિલા ગેમર્સ માટે વધુ આકર્ષક હોય તેવી ગેમ વિકસાવવા માટે બજારમાં નોંધપાત્ર પ્રયાસો થઇ રહ્યાં છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ એકંદર ઈસ્પોર્ટ્સમાં મહિલા ચાહકોમાં વધારો થવાની આગાહી કરી છે, જે ગયાં વર્ષનાં 23 ટકાથી વધીને આ વર્ષે 25 ટકા થયો છે.