શ્રીરામ જન્મભૂમિના નિર્માણ માટે દેશવિદેશમાંથી મળેલા દાનનો આંકડો છેલ્લા અહેવાલ મુજબ 5500 કરોડ રૂપિયા થવા જાય છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મોટું દાન આપનારા લોકોમાં બે ગુજરાતીઓનાં નામ મોખરે છે. પ્રખ્યાત કથાકાર મોરારિબાપુએ 11.3 કરોડ રૂપિયા આપ્યા છે. સુરતના ડાયમંડ કિંગ શ્રી ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયા આપ્યા છે. આ બંને મહાનુભાવોએ ગુજરાતનું નામ ઊજળું કર્યું છે. દક્ષિણ ભારતની એક વૃદ્ધાનો કિસ્સો જાણવા જેવો છે. એ વૃદ્ધા પાસે સ્વયંસેવકો દાન લેવા માટે ગયા, ત્યારે તેણે પાલવના છેડે બાંધેલા વીસ રૂપિયા ભેટ રૂપે આપ્યા. એ ગરીબ, નિરાધાર વૃદ્ધા પાસે આ આખરી બચેલી મૂડી હતી. એક સ્વયંસેવકે વૃદ્ધાની ગરીબી જોઇને સાત્વિક અસત્ય ઉચ્ચાર્યું, ‘અમ્મા, અમારી પાસે જે પહોંચ બુક છે, તેમાં માત્ર દસ રૂપિયાની પહોંચ આપવાની મર્યાદા છે. અમે એનાથી વધુ રકમ સ્વીકારી શકીએ નહીં. માટે દસ રૂપિયા પાછા લો.’
શ્રીરામ ભક્તિમાં નખશિખ નહાઇ રહેલી વૃદ્ધાએ જવાબ આપ્યો, ‘બેટા, જો એવું હોય તો થોડા સમય પહેલાં મૃત્યુ પામેલા મારા એકના એક દીકરાનાં નામે બીજા દસ રૂપિયા સ્વીકારી લે અને બે પહોંચ ફાડી આપ. મારું શું થશે એની ચિંતા તમે ન કરશો, ચિંતા કરવાવાળો મારો રામ બેઠો છે.’ શ્રીરામ મંદિરના નિર્માણ માટે મળેલું સૌથી મોટું દાન આ વીસ રૂપિયાનું છે. બીજા દાન વડે રામમંદિર ભવ્ય બનશે, પણ આ વૃદ્ધાના વીસ રૂપિયા વડે શ્રીરામનું મંદિર વધારે દિવ્ય બનશે.