ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં શિયાળાનો ચમકારો શરૂ થઈ ગયો છે. ઠંડા પવનના સૂસવાટા અને ઘટતી ગરમી સાથે આ સીઝનમાં સૌથી નીચું મહત્તમ તાપમાન 28 અને લઘુતમ તાપમાન 14.2 નોંધાયું છે. વાતાવરણમાં તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ખાસ કરીને સવારે અને રાત્રે લોકો ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ, તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. પાંખી હાજરી સાથે પોરબંદરના જાણીતા ચોપાટી પર ઠંડીના કારણે લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં પોરબંદરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહત્તમ તાપમાન 32.8 પરથી ઘટીને 28એ પહોંચી ગયું છે, જ્યારે લઘુતમ તાપમાન 21થી ઘટીને 14.2 નોંધાયું છે. હવામાન નિષ્ણાતોએ લોકોને ઠંડા પવનથી બચવા માટે ગરમ કપડાં પહેરવા, ખાસ કરીને બાળકોને કાનટોપી અને સ્વેટરનો ઉપયોગ કરાવવા સૂચવ્યું છે. ઠંડા પીણા ટાળવા, આરોગ્યપ્રદ ખોરાક લેવા અને હળવી કસરત કરવી જરૂરી છે. ઠંડીના કારણે કફ અને માથાનો દુખાવો થવાની શક્યતા રહે છે, તેથી તેનાથી સાવચેત રહેવું જોઈએ. શિયાળાના ચમકારાને કારણે રાત્રે ચોપાટી પર ટહેલવા આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. હંમેશા લોકોથી ભરચક રહેતી ચોપાટી પર હવે રાત્રે 12 વાગ્યા સુધી લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ ઘટી શકે છે, જેનાથી શિયાળાની ઠંડી વધુ તેજ બનશે.