ભાજપ માટે ગુજરાતની 26 બેઠક જીતવાની હેટ્રિકનો ટાર્ગેટ પાર થવો મુશ્કેલ!
જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ બેઠક ભાજપ જીતે તો પણ માર્જિન સામાન્ય રહેવાનો આઇબીનો રીપોર્ટ
- Advertisement -
ભાજપ નેતાગીરીએ ચારેય બેઠકનું નવેસરથી વિશ્લેષણ શરૂ કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને હવે પરિણામ માટે ત્રણેક અઠવાડિયાની પ્રતિક્ષા છે ત્યારે ગુપ્તચર વિભાગના રીપોર્ટથી ભાજપ નેતાગીરીની ઉંઘ હરામ થઇ ગઇ છે. આઇબીના રીપોર્ટને ગંભીરતાથી લઇને નેતાગીરી દ્વારા તેની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. ભાજપના જ માહિતગાર સુત્રોની વાત માનવામાં આવે તો આઇબી દ્વારા એવો રીપોર્ટ આપવામાં આવ્યો છે કે ગુજરાતની બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને જામનગરની બેઠકો ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી બની શકે તેમ છે. આ બેઠકોમાં ભાજપનો વિજય થાય તો પણ જીતનું માર્જીન ખાસ મોટુ રહી શકે તેમ નથી. આ રીપોર્ટના પગલે ભાજપ નેતાગીરી દ્વારા ચારેય બેઠકોના મતદાનના આંકડાઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ચારે બેઠક પર કેટલું મતદાન થયું હતું અને તેમાંથી ભાજપને કેટલા મત મળી શકયા હોય તેની ગણતરી શરૂ કરવામાં આવી છે. ક્ષત્રિય આંદોલનને કારણે ભાજપના ઉમેદવારોની સરસાઇને વત્તા ઓછા પ્રમાણમાં અસર થવાની ગણતરી રાખવામાં આવતી જ હતી. ક્ષત્રિય આંદોલનની મુખ્ય અસર જામનગર, ભાવનગર જેવી અમુક બેઠકો પુરતી મર્યાદિત રહેવાની મનાતુ હતું.
- Advertisement -
પરંતુ આઇબી રીપોર્ટમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના કારણે આ બેઠકોમાં શું અસર થઇ છે. તેનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે. હવે આઇબીના રીપોર્ટ પ્રમાણે ચાર બેઠકોની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. ઓછા મતદાન માટે આકરા તાપ, હિટવેવની સ્થિતિને કારણરૂપ ગણવામાં આવી હતી. તે સિવાય પણ ઓછા મતદાન માટે અન્ય કોઇ કારણ હતું કે કેમ તે પણ ચકાસવામાં આવ્યું જ છે. અત્રે નોંધનીય છે રાજકીય સટ્ટાબજારમાં બુકીઓ અમરેલી અને બનાસકાંઠાની સીટ ભાજપ માટે જીતવી મુશ્કેલ હોવાનું ગણાવી રહ્યા છે. આઇબીના રીપોર્ટમાં જે ચાર બેઠકોનો ઉલ્લેખ છે તેમાં બનાસકાંઠા બેઠક આવી જાય છે. આ સંજોગોમાં આઇબી અને સટ્ટાબજારનું ગણિત બનાસકાંઠાની બેઠક માટે સમાન રહ્યું છે તે સુચક છે. ગુજરાતમાં 2014 અને 2019 એમ બંને લોકસભા ચુંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે પણ તમામ બેઠકો જીતીને વિજયની હેટ્રીક સર્જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. સાથોસાથ પાંચ લાખ કરતા વધુની લીડ મેળવવાનો પણ ભાજપનો ટાર્ગેટ હતો જોકે ચૂંટણી પૂર્વે જ આંદોલન સહિતના મુદ્દાઓને કારણે વાતાવરણ ડહોળાઇ જતા ટાર્ગેટ મુજબની લીડ મળવા વિશે આશંકા ઉભી થવા લાગી હતી અને ચૂંટણી બાદ અમુક બેઠકો પણ ગુમાવી પડે તેવી અટકળો પણ સર્જાઇ હતી.
પેન્ડિંગ ફાઇલો કલીયર કરવા સરકારની કવાયત તેજ
ગુજરાતમાં લોકસભા ચૂંટણી આચારસંહિતાના કારણે ઠપ્પ થઇ ગયેલી વહીવટી કામગીરી ફરી પાટે ચડાવવા માટે સરકારે કમર કસી છે. કલેકટર જેવા તમામ સીનીયર અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા તેના કારણે મહેસુલીથી માંડીને વિવિધ ફાઇલોના થપ્પા લાગવા માંડયા હતા. હવે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, પરિણામને આડે ત્રણેક અઠવાડિયાનો સમય છે ત્યારે સરકાર દ્વારા જુદા જુદા વિભાગોની ફાઇલો કલીયર કરવાની સૂચના આપવામાં આવી છે અને એ દિશામાં કવાયત તેજ કરવામાં આવી છે.
ચૂંટણી ફરજ બાદ સારૂ પોસ્ટિંગ મળવાની અધિકારીઓને આશા
ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને પરિણામો 4થી જુને જાહેર થવાના છે. ત્યારબાદ વહીવટી તંત્રમાં મોટા ફેરફારો થવાની શકયતા છે. સચિવાલયમાં એવી ચર્ચા જોર પકડવા લાગી છે કે જુદા જુદા જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય સીનીયર અધિકારીઓ બદલીના ઘાણવા વખતે સારી જગ્યાએ પોસ્ટીંગ મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. ચૂંટણી દરમ્યાન સત્તાધારી પક્ષના નેતાઓ પ્રત્યે કુણુ વલણ દાખવનારા અધિકારીઓને સારા પોસ્ટીંગની અપેક્ષા રહી છે. ચૂંટણી પરિણામના તુર્ત બાદ મોટા પાયે બદલી-બઢતીનો ઘાણવો કાઢવામાં આવે તેવી સંભાવના છે.