30 જુલાઇએ લેખિત જવાબ અને આધારા પુરાવા સાથે હાજર રહેવા ફરમાન
નદીમાં વીજપોલ ઉભા કરવાથી રાષ્ટ્રીય પક્ષી મોરના મોત મુદ્દે ચોટીલાના નાયબ કલેક્ટરની કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલા તાલુકાના વડાળી ગામે પવનચક્કીની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની દ્વારા અનેક વીજપોલ નદીમાં જ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જો કે વરસાદના કારણે વીજપોલ જમીન દોસ્ત થયા હતા જેથી ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરને કરંટ લાગતા મૃત્યુ થયાનું ગામ લોકો દ્વારા જણાવાયું હતું. તેમજ ભેડસુડા ગામે પણ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયાનો પણ બનાવ બહાર આવ્યો હતો. આ ગંભીર મુદ્દે એક જાગૃત નાગરીક મિતુલકુમાર મેતા અને ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઇ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડના જામનગર ઓફિસ સ્થિતના એડમિન હેડ દિપકસિંહ અને વડાળી સબસ્ટેશનના હેડ નાગાઅરજણને કારણદર્શક નોટીસ ફટકારી છે. આ ઉપરાંત 30 જુલાઇએ લેખિત જવાબ અને આધારા પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યુ છે. જો હાજર નહી રહો અને જવાબ આપવામાં કસૂર કરશો તો નદીમાં વીજપોલ ઉભા કરવાથી રાષ્ટ્રીય પક્ષી મોરના મોત મુદ્દે અને ભવિષ્યમાં અકસ્માત થવાની સંભાવના હોય તે ધ્યાને લઇ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા 2023, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986, વિદ્યુત અધિનિયમ 2003 અંતર્ગત નિયમોનુસાર કાર્યવાહી કરવાની ફરજ પડશે. આ ઉપરાંત આગામી મુદત 30 જુલાઇ સુધી વીજપોલ કે અન્ય કોઇ સમારકામ કરવા અંગેની કોઇ જ કામગીરી ન કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યુ છે.