આવતા અઠવાડિયે ઞજ સંસદમાં મતદાન, રશિયા પર 500% ટેરિફવાળા બિલને ટ્રમ્પની લીલીઝંડી: હવે ભારત, ચીન પર નિશાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો સંબંધિત એક બિલને મંજૂરી આપી દીધી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, આ બિલમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% સુધી ટેરિફ લગાવવાની જોગવાઈ છે. રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામએ જણાવ્યું કે બુધવારે વ્હાઇટ હાઉસમાં તેમની ટ્રમ્પ સાથે મુલાકાત થઈ, જેમાં રાષ્ટ્રપતિએ બિલને લીલી ઝંડી આપી દીધી. આ બિલ છેલ્લા ઘણા મહિનાઓથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તેને આવતા અઠવાડિયે સંસદમાં વોટિંગ માટે લાવવામાં આવી શકે છે. આ બિલનું નામ ‘સેન્ક્શનિંગ ઓફ રશિયા એક્ટ 2025’ છે. તેનો હેતુ એવા દેશો પર દબાણ બનાવવાનો છે, જે યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. અમેરિકાનો આરોપ છે કે તેનાથી રશિયાને યુદ્ધ લડવામાં મદદ મળી રહી છે.
અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર પહેલેથી જ 25% વધારાનો ટેરિફ લગાવ્યો છે. જો આ બિલ પસાર થશે તો દિલ્હી માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અત્યાર સુધીમાં ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ચૂક્યો છે. બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદનો ઉકેલ લાવવા માટે ટ્રેડ ડીલ પર વાતચીત પણ ચાલી રહી છે.



