જૂનાગઢમાં ધણીધોરી વિનાનાં ટ્રાફિક સિગ્નલનું કામ મનપાએ ઉપાડ્યું
જૂનાગઢમાં જુદી- જુદી 9 જગ્યાએ ટૂંક સમયમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થશે
- Advertisement -
વૈભવ ફાટક અને તળાવ દરવાજે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિકજામ રહે છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જુદા જુદા માર્ગો પર 9 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યાં છે. વર્ષો સુધી ધણીધોરી વિનાનાં પડેલા ટ્રાફિક સિગ્નલનું કામ અચાનક મનપાએ ઉપાડ્યું છે અને ટુંક સમયમાં જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થશે. હવે જૂનાગઢની પ્રજાને રાહત મળશે કે ટ્રાફિકમાં વધુ અટવાશે તે સમય બતાવશે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા શહેરમાં 9 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવ્યાં છે. વૈભવ ફાટક, તળાવ દરવાજા, ઝાંસીની રાણીની પ્રતિમા પાસે, કાળવા ચોક, ઝાંઝરડા ચોકડી સહિતનાં વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવ્યાં છે.
- Advertisement -
જૂનાગઢમાં વર્ષો પહેલા ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવ્યાં હતાં. પરંતુ આજ સુધી કાર્યરત થયા ન હતાં. ટ્રાફિક સિગ્નલ ધૂળ ખાતા હતાં. પરંતુ અચાનક મહાનગર પાલીકાએ ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવા કામે લાગી ગઇ છે. હવે ટ્રાફિક સિગ્નલથી લોકોને રાહત મળશે કે ટ્રાફિકમાં અટવાશે તે સમય બતાવશે. પરંતુ નવ જગ્યા પૈકી તળાવ દરવાજા અને વૈભવ ફાટક પાસે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક રહે છે. અહીંથી પસાર થતી ટ્રેનનાં કારણે કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. અહીં ટ્રાફિક સિગ્નલ કાર્યરત થતા વધુ પરેશાની ઉભી થશે. વૈભવ ફાટક પાસે તો બસ નિકળે ત્યારે પણ ટ્રાફિક થઇ જાય છે. આ સંજોગોમાં અહીં ટ્રાફિક સિગ્નલ કેટલાક ઉપયોગી થાય તે જોવાનું રહ્યું છે.
10 દિવસમાં શરૂ થશે : મનપા
જૂનાગઢ મનપાનાં હાજાભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે, ટ્રાફિક સિગ્નલની કામગીરી ચાલી રહી છે. 10 દિવસમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થશે. હાલ ઝીબ્રા ક્રોસીંગ, લાઇટીંગ સહિતની કામગીરી ચાલી રહી છે.
90 લાખ રૂપિયાનાં ખર્ચે ટ્રાફિક સિગ્નલ બન્યાં
જૂનાગઢનાં જુદા જુદા માર્ગો પર ટ્રાફિક સિગ્નલ બનાવવામાં આવ્યાં છે. મનપાએ તેની પાછળ રૂપિયા 90 લાખનો ખર્ચ કર્યો છે. વર્ષો પછી તે શરૂ થવા જઇ રહ્યાં છે.
મનપા સોંપશે એટલે શરૂ થશે
ટ્રાફિક પીએસઆઇ પી.જી.બોદરે કર્યું હતું કે, મનપા દ્વારા અમુક કામગીરી થઇ રહી છે. કોર્પોરેશન હસ્તક છે. મનપા સોંપશે એટલે શરૂ કરવામાં આવશે.
અગાઉ ટેસ્ટિંગ બાદ બંધ કર્યાં હતાં
જૂનાગઢ અગાઉ ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ સમયનાં સેટીંગનાં કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો. બાદ પ્રોજેકટ પડતો મુકી દેવામાં આવ્યો હતો. બાદ ફરી તેમા સુધારા વધારા સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
100 મિટરમાં બે ટ્રાફિક સિગ્નલ
જૂનાગઢમાં 100 મિટર જેટલા એરીયામાં બે ટ્રાફિક સિગ્નલ છે. ઝાંસીની રાણીની પ્રતિમા પાસે અને ત્રિર્મૂતી હોસ્પિટલની બાજુમાં ટ્રાફિક સિગ્નલ છે. બન્ને બાજુ બાજુમાં ટ્રાફિક સિગ્નલ હોય મુશ્કેલી પડશે.