નવા સુકાની બનવા અનેક દાવેદાર લાઇનમાં: કાલે ત્રણ નિરીક્ષકો સેન્સ લેશે
પ્રદેશ ભાજપ સમક્ષ રૂબરૂ ‘લોબિંગ’ની તૈયારી : ચેરમેનપદ માટે જયેશ બોઘરા તથા પરસોતમ સાવલીયા વચ્ચે સ્પર્ધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ માર્કેટ યાર્ડમાં આગામી શુક્રવારે નવા સુકાનીઓની ચૂંટણી થવાની છે તે પૂર્વે સહકારી રાજકારણમાં ઉત્તેજના છે. ચેરમેન અને વાઇસ ચેરમેન એમ બન્ને પદ માટે એકથી વધુ દાવા પેશ થવાના સંકેતો છે. ઉપરાંત આવતીકાલે સેન્સ પ્રક્રિયા વચ્ચે દાવેદાર જુથો ગાંધીનગરમાં પ્રદેશ નેતાગીરી સમક્ષ પણ રૂબરૂ લોબીંગ કરવાની તૈયારીમાં હોવાના નિર્દેશ છે. રાજકોટના સહકારી રાજકારણમાં લાંબા વખતથી જુથવાદ વચ્ચે પણ જયેશ બોઘરા જુથનો દબદબો રહ્યો છે. ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટ પ્રથા દાખલ કરવામાં આવી હોવા છતાં વર્ચસ્વના જોરે તમામ મહત્વની સંસ્થાઓમાં રાદડીયા જુથના આગેવાનોનો જ કબ્જો છે. રાજકોટ જીલ્લા બેંક, લોધિકા સંઘમાં સુકાનીઓ રીપીટ થયા બાદ હવે પાંચમી જુલાઇએ રાજકોટ યાર્ડના નવા હોદેદારોની ચૂંટણી યોજાવાની છે તેમાં પણ વર્તમાન હોદેદારો રીપીટ થાય છે કે કેમ તેના પર ઉત્તેજના છે.
શુક્રવારે ચૂંટણી પૂર્વે આવતીકાલે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. નિરીક્ષક તરીકે પ્રદિપ ખીમાણી, હસમુખ હિન્ડોચા સહિત ત્રણ આગેવાનોને નિયુક્ત કરાયા છે. રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાશે. સૂત્રોના કહેવા પ્રમાણે ચેરમેનપદ માટે વર્તમાન ચેરમેન જયેશ બોઘરા તથા સીનીયર ડાયરેક્ટર પરસોતમ સાવલીયા દાવા પેશ કરે તેવી સંભાવના છે. વાઇસ ચેરમેનપદે હાલ વસંત ગઢીયા છે આ પદ માટે તેઓ ઉપરાંત અન્ય દાવા જ પણ પેશ થઇ શકે છે. ખાસ કરીને વેપારી ડાયરેક્ટરોનું જુથ મેદાને પડવાની ચર્ચા છે. વેપારી કેટેગરીમાં અતુલ કમાણી, સંદિપ લાખાણી, રાજુ થાવરીયા તથા દિલીપ પનારા ડાયરેક્ટર છે. ચારમાંથી કોઇપણ એકને વાઇસ ચેરમેનપદ સોંપવા તેઓ સંયુક્ત રીતે માંગ કરશે, તેઓએ કહ્યું કે 17 વર્ષથી વેપારી જુથને વાઇસ ચેરમેનપદ મળ્યું નથી ત્યારે નવી ટર્મમાં આપવા દાવો કરાશે.
દરમ્યાન એવા નિર્દેશ છે કે ચેરમેનપદના દાવેદારો દ્વારા પ્રદેશ નેતાગીરી સમગક્ષ લોબીંગ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રૂબરૂ મળવાની અંદરખાને ચર્ચા થઇ રહી છે.